એટીએસના રાજયવ્યાપી દરોડા : પ૦થી વધુ હથિયારો ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયભરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના પગલે પોલીસતંત્ર સક્રિય બનેલું છે આ ઉપરાંત એટીએસ સહિતની એજન્સીઓ પણ રાજયભરમાં તપાસ કરી રહી છે ૧૦ દિવસ પહેલા એટીએસના અધિકારીઓએ રાજયવ્યાપી દરોડા પાડી ગેરકાયદેસર પરવાનાના આધારે હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપ્યું હતું અને તેમાં પકડાયેલા આરોપીઓની પુછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવતા જ આજે ફરી વખત એટીએસના અધિકારીઓએ રાજયવ્યાપી દરોડા પાડી આવા વધુ પ૦ જેટલા હથિયારો ઝડપી લીધા છે અને વધુ ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે એટીએસના અધિકારીઓએ ૧૦ દિવસ પહેલા પકડાયેલા આરોપીઓની પુછપરછના પગલે ગઈકાલથી જ રાજયવ્યાપી તપાસનો પ્રારંભ કર્યો હતો અને રાજયના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી
આ દરોડામાં પ્રાથમિક તપાસમાં જ ૧૦ આરોપીઓને ઝડપી લઈ તેઓની પુછપરછના આધારે રાજયભરમાંથી પ૦થી વધુ હથિયારો ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓની પુછપરછમાં તેઓ આ હથિયારો નેપાળથી લાવતા હોવાનું બહાર આવ્યું છે અને તેઓ ગુજરાતમાં ગેરકાયદેસર દસ્તાવેજા બનાવી તે સપ્લાય કરતા હતા આ સમગ્ર કૌભાંડમાં વધુ કેટલાક મોટામાથાઓના નામો બહાર આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે જેના પગલે સંડોવાયેલા અન્ય આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે હાલ તમામની પુછપરછ ચાલી રહી છે.