Western Times News

Gujarati News

એટીએસે સૌરાષ્ટ્રમાંથી અઢાર ગેરકાયદે હથિયાર સાથે ૯ને ઝડપ્યા

અમદાવાદ, ગાંધીના ગુજરાતમાંથી એક બાદ એક મોટા રેકેટ પકડાઈ રહ્યાં છે. ચોતરફ વ્યાપેલા ડ્રગ્સના કોલાહલ વચ્ચે આ મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાંથી ૬૦ ગેરકાયદેસર હથિયારો અને ૧૮ કારતુસો સાથે ૨૮ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે રાઉન્ડઅપ કાર્યવાહી દરમિયાન વધુ ૧૮ ગેરકાયદેસર હથિયાર હાથ લાગ્યા છે.

ગુજરાત એટીએસએ ગત તા. ૩ મેના રોજ લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ અને તેના સાગરીત ચાંપરાજ ખાચરને ૪ ગેરકાયદેસર હથિયાર સાથે અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધા હતા.

બાદમાં તેમની રીમાન્ડ મેળવીને પુછપરછ કરવામાં આવતા તેમણે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લાના કેટલાક લોકોને ગેરકાયદેસર હથિયાર વેચાણ કર્યા હોવાનું જણાવ્યું હતું. તેના આધાર પર ૨૮ લોકોને ૬૦ ગેરકાયદેસર હથિયાર અને ૧૮ કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ તથા અન્ય આરોપીઓની વધુ પુછપરછ દ્વારા અને સર્વેલન્સ ટીમની મદદથી આ મામલે વધુ ૯ લોકોની સંડોવણી સામે આવી છે. જેથી એટીએસની વિવિધ ટીમ બનાવીને તેમને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા અને ઝડતી તથા પુછપરછ દરમિયાન વધુ ૧૮ ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા છે.

આમ આ મામલે અત્યાર સુધીમાં કુલ ૩૭ આરોપીઓ પાસેથી ૭૮ ગેરકાયદેસર હથિયાર તથા ૧૮ કારતુસ કબજે લેવામાં આવ્યા છે. સાથે જ આ કેસમાં હજુ વધુ ગેરકાયદેસર હથિયારો મળી આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

તાજેતરમાં ઝડપાયેલા ઈસમોમાં સિદ્ધરાજ કનુભાઈ ચાવડા, ઉં. ૧૯ વર્ષ, ગામ- આંકડીયા, જિલ્લો- રાજકોટ, મહેન્દ્ર ગભરૂભાઈ ખાચર, ઉં. ૨૨ વર્ષ, ગામ- થાનગઢ, જિલ્લો- સુરેન્દ્રનગર, કિશોર નકુભાઈ ધાંધલ, ઉં. ૩૦ વર્ષ, જિલ્લો- બોટાદ, મહાવીર ધીરૂભાઈ ધાંધલ, ઉં. ૨૮ વર્ષ, રહે. પાળીયાદ રોડ, જિલ્લો- બોટાદ, જયરાજ બાબભાઈ ખાચર, ઉં. ૨૫ વર્ષ, ગામ- સારંગપુર, જિલ્લો- બોટાદ, મહેન્દ્ર મંગળુભાઈ ખાચર ઉર્ફે લાલો, ઉં. ૨૪ વર્ષ, ગામ- બરવાળા, જિલ્લો- રાજકોટ, રાજુ ઝીલુંભાઈ જળું, ઉં. ૩૨ વર્ષ, ગામ- સાયલા, જિલ્લો- સુરેન્દ્રનગર, રાજવીર ઝીલુભાઈ, ઉં. ૨૨ વર્ષ, ગામ- થાનગઢ, જિલ્લો- સુરેન્દ્રનગર, વિપુલ રમેશભાઈ ગાડલીયા, ઉં. ૨૦ વર્ષ, ગામ- સુદામડા, જિલ્લો- સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.