Western Times News

Gujarati News

એટ્રોસીટી પ્રકરણ : કંપનીના માલિકોની ધરપકડ સામે સ્ટે

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એટ્રોસીટીની ખોટી ફરિયાદોના કેસો વધી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે મહેસાણા જિલ્લાના માણસા તાલુકાની એક કંપનીના માલિકો વિરૂધ્ધ ખુદ દલિત કર્મચારી દ્વારા કરાયેલી એટ્રોસીટીની ફરિયાદના કેસનો મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કંપનીના માલિકો તરફથી કરાયેલી કવોશીંગ પિટિશનની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ  એસ.એચ.વોરાએ એક મહત્વના આદેશ મારફતે રાજય સરકાર અને ફરિયાદી કર્મચારી વિરૂધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી અરજદાર કંપનીના માલિકોની ધરપકડ સામે સ્ટે જારી કર્યો હતો.


વધુમાં, હાઇકોર્ટે આ કેસમાં હાઇકોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ દાખલ નહી કરવા પણ પોલીસને સ્પષ્ટ તાકીદ કરી હતી. જા કે, કોર્ટે કેસની તપાસ ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર દ્વારા અજીમાં કરેલી રજૂઆત અને એનેક્ષર ધ્યાનમાં લેતાં ફરિયાદમાં કરાયેલા આક્ષેપો અને એવર્મેન્ટ્‌સ શંકાસ્પદ જણાય છે. આમ, હાઇકોર્ટે ઉપરોકત હુકમ સામે અરજદાર કંપનીના માલિકોને એટ્રોસીટીના કેસમાં રાહત આપી હતી.

માણસાની સીપ્લાન્ટ્‌સ ઈન્ડિયા પ્રા.લિ.ના ડિરેકટર રમેશભાઇ મંગળદાસ પટેલ તથા અન્યો દ્વારા કરાયેલી કવોશીંગ પિટિશનમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું કે, ફરિયાદી દિનેશભાઇ ચૌહાણ છેલ્લા ૧૪ વર્ષથી અરજદારની કંપનીમાં વેલ્ડર તરીકે ફરજ બજાવે છે

પરંતુ નોકરીમાં તેમનું ન્યુસન્સ અને દાદાગીરીભરી ગેરવર્તણૂંક ગંભીર અને કંપનીનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળનારી હતી. અરજદારો ૨૦૧૨થી ફરિયાદીની આ પ્રકારનું વર્તન અને પ્રવૃત્તિ સહન કરતાં આવ્યા છે.  ખુદ કંપનીના અન્ય કર્મચારીઓએ પણ આ ફરિયાદી કર્મચારી વિરૂધ્ધ અનેકવાર રજૂઆત અને ફરિયાદો કરી હતી. દરમ્યાન થોડા સમય પહેલાં જ ફરિયાદી કર્મચારી દિનેશભાઇ ચૌહાણની આવી બધી પ્રવૃત્તિઓના કારણે મેનેજમેન્ટ દ્વારા તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી,

જો કે, ફરિયાદી તરફથી મેનેજમેન્ટને એટ્રોસીટીની ખોટી ફરિયાદો કરવાની અને ફસાવી દેવાની ધમકીઓ અપાતાં અરજદારપક્ષ તરફથી પહેલેથી જ સ્થાનિક પોલીસ અને ગાંધીનગર ડીએસપીને લેખિત અરજી આપી ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમછતાં તા.૨-૧-૨૦૨૦ના રોજ ફરિયાદીએ નોકરીમાં તેને ના પાડી હોવાછતાં કંપનીમાં આવીને બબાલ કરીને પાછળથી તેને સીકયોરીટીના જવાને અને મેનેજમેન્ટના માણસોએ તેને માર માર્યો, જાતિ વિરૂધ્ધના અપમાનજનક શબ્દો બોલ્યા સહિતના બિલકુલ બોગસ અને વાહિયાત આક્ષેપો કરતી એટ્રોસીટીની ફરિયાદ પોલીસમાં નોંધાવી દીધી હતી. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી દ્વારા હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું કે, ફરિયાદી પહેલેથી જ એટ્રોસીટીના કેસમાં અરજદારોને ફસાવવાની ધમકી આપતો હતો,

જે અંગે અરજદારોએ અગાઉથી પોલીસનું ધ્યાન દોરેલું જ છે. વળી, ફરિયાદીએ જે આક્ષેપો કર્યા છે તે પ્રકારનો કોઇ બનાવ જ બન્યો નથી, સમગ્ર ફરિયાદ જ ઉપજાવી કાઢેલા આક્ષેપોથી કરવામાં આવી છે. અરજદાર તરફથી પોતાના પુરાવાના સમર્થનમાં સીસીટીવી ફુટેજ પણ પોલીસને ચકાસવાની તૈયારી બતાવી હતી અને એટ્રોસીટીની ખોટી રીતે નોંધાવાયેલી ફરિયાદ રદ કરવા દાદ મંગાઇ હતી. આ રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો આદેશ જારી કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.