એડવોકેટ હરીશ સાલ્વે ૬૫ વર્ષની વયે બીજા લગ્ન કરશે
નવીદિલ્હી, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે આગામી અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના જાણીતા વકીલ અને બ્રિટનમાં ક્વીન્સ કાઉન્સિલ છે.
૬૫ વર્ષના સાલ્વે આ વર્ષે જૂન મહિનામાં જ પોતાની ૩૮ વર્ષના લગ્નજીવન બાદ પત્ની મિનાક્ષીને ડિવોર્સ આપીને અલગ થયા હતા. હરીશ સાલ્વે અને મિનાક્ષીને બે દીકરીઓ પણ છે. હરીશ સાલ્વે પોતાના મિત્ર કેરોલિન બ્રોસર્ડ સાથે ૨૮ ઓક્ટોબરે લંડનના એક ચર્ચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ બંનેના બીજા લગ્ન છે. સાલ્વે પણ ધર્મ બદલીને હવે ખ્રિસ્તી બની ચૂક્યા છે. પોતાની થનારી પત્ની કેરોલિન સાથે તેઓ પાછલા બે વર્ષથી નિયમિત રૂપથી ઉત્તરી લંડનના ચર્ચમાં જાય છે.
હરીશ સાલ્વે અને કેરોલિન બંનેના આ બીજા લગ્ન હશે. બંનેના પૂર્વ લગ્નથી પણ સંતાનો છે. કેરોલિન ૫૬ વર્ષની છે અને એક છોકરીની માતા છે. હરીશ સાલ્વેની કેરોલિન સાથે મુલાકાત આર્ટ એક્ઝીબિશનમાં થઈ હતી. બંને વચ્ચે આ મુલાકાત ધીમે-ધીમે ગાઢ બનતી ગઈ. હરીશ સાલ્વેના ડિવોર્સ બાદ કેરોલિને તેમને ભાવનાત્મક રીતે ઘણો સપોર્ટ કર્યો.
બંને વચ્ચે સારી અંડરસ્ટેન્ડિંગ થઈ અને બંને જિંદગી સાથે પસાર કરવાનું નક્કી કર્યું. જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે તથા હરિશ સાલ્વે બંનેએ એક જ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. બંને મહારાષ્ટ્રના નાગપુરમાં અભ્યાસ કરતા હતા. હરીશ સાલ્વે પોતાની પ્રતિભાથી જાણીતા વકીલ રહ્યા છે.
આ કારણે જ ભારત સરકારે તેમને સોલિસિટર જનરલ નિયુક્ત કર્યા હતા. તેમણે કુલભૂષણ જાધવનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટમાં ૧ રૂપિયાની ફી લઈને ભારત માટે લડ્યો હતો.
આ ઉપરાંત તેઓ ઘણા ઈન્ટરનેશનલ કેસમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરીને દેશને ગૌરવ અપાવી ચૂક્યા છે.SSS