એડીલેડ ટેસ્ટમાંથી ભારતીય ક્રિકેટ ટીમ બોધપાઠ લેશે ?
બોકસીંગ ડે ટેસ્ટમાં સમાવિષ્ટ ભારતના ખેલાડીઓ ઉપર વધુ દબાણ: કપ્તાન કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ મજબુત બની હતાશામાંથી બહાર આવશે ?: ટેસ્ટ ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતી |
ભારતીય ટીમના કલબ કક્ષાની ટીમ જેવા દેખાવથી ક્રિકેટ પ્રેમીઓએ સોશિયલ મીડીયામાં કાઢેલો બળાપો |
નિવૃત્ત સિનીયર ક્રિકેટરોના અભિપ્રાય લઈ ભારતીય ટીમની પસંદગી કરવાનો સમય આવી ગયો: ભારત આઠ બોકસીંગ ડે ટેસ્ટ રમ્યુ છે અને તેમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહયું છે |
ભારત દેશમાં રમત જગત ક્ષેત્રે ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહયું છે જાેકે છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગગૃહો તથા જાણીતા ફિલ્મ એકટરો દ્વારા ફુટબોલ સહિતની રમતોને ભારતીય યુવાનોમાં લોકપ્રિય કરવા માટે સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેનું પરિણામ પણ જાેવા મળી રહયું છે. તેમ છતાં ક્રિકેટની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહયો છે. ૧૩૦ કરોડની વસતી ધરાવતા ભારત દેશનું ક્રિકેટના મેદાન પર ૧૧ ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરતા હોય છે અને આ તમામ ખેલાડીઓ ક્રિકેટ પ્રેમીઓની અપેક્ષામાં ઉણા ઉતરે ત્યારે સોશીયલ મીડિયા પર તેમના વિરૂધ્ધ પ્રસ્તાળ પડવા લાગે છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ફાસ્ટ બોલરોને મદદ કરતી પીચો બનાવવામાં આવતી હોય છે જયારે ભારતમાં સ્પીનરોને મદદ કરે તેવી પીચ બનાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ભારતીય બેટસમેનો વિદેશની ધરતી પર અપેક્ષા મુજબ સફળ રહેતા નથી. આવું જ ઓસ્ટ્રેલિયા સામેની એડીલેડ ટેસ્ટમાં જાેવા મળ્યું.
કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિગ્સમાં વેલસેટ થયા બાદ ભારતીય ટીમ સન્માનજક સ્કોર પર પહોંચશે તેવી આશા હતી પરંતુ કોહલીની એક ભુલના કારણે તે રન આઉટ થઈ જતાં સમગ્ર ટેસ્ટ મેચના પરિણામ પર તેની અસર જાેવા મળી. એક સમયે ભારત જંગી સ્કોર ખડકી શકશે તેવુ લાગતું હતું પરંતુ કોહલીના રન આઉટથી સમગ્ર ચિત્ર બદલાઈ ગયું હતું અને બીજા દાવમાં તો ભારતીય બેટ્સમેનો કલબ કક્ષા કરતા પણ ખરાબ રમત રમી માત્ર ૩૬ રનના કુલ સ્કોર પર સમગ્ર ટીમ તંબુ ભેગી થઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ કાળો દિવસ હતો. સાથે સાથે સોશીયલ મીડીયા પર પણ દરેક ખેલાડી પર ક્રિકેટ પ્રેમીઓએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ભારતીય ટીમનો એક પણ ખેલાડી ડબલ ફીંગર પર પહોંચી શકયો ન હતો. પ્રથમ ટેસ્ટમાં ખુબજ ખરાબ રીતે હાર્યા બાદ હવે તમામની નજર બોકસીંગ ડે ટેસ્ટ પર મંડાઈ છે.
જાેકે બોકસીંગ ડે ટેસ્ટના આંકડા પણ ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો કરી રહયો છે. આ પરિસ્થિતિમાં પણ ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ ટેસ્ટ મેચની હારમાંથી બહાર આવી માનસિક રીતે મજબુત થવું પડશે. સાથે સાથે બીજી ટેસ્ટ મેચમાં ચારથી વધુ ફેરફારો નિશ્ચિત મનાઈ રહયા છે અને આ ચારેય ખેલાડીઓ ઉપર વધુ દબાણ રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ ટેસ્ટમાં સૌથી શરમજનક હાર થયા બાદ હવે સોશીયલ મીડિયા પર તેની આલોચના બાદ ટીમની પસંદગીમાં જાેરદાર બદલાવ કરવાની વાતો થઈ રહી છે. અગાઉ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનાવ હોવાની વાતો સોશીયલ મીડિયા પર વહેતી થઈ હતી. પસંદગીકારો ઉપરાંત ટીમના કોચ રવિ શાસ્ત્રી સામે લોકોએ રોષ પ્રદર્શિત કર્યો હતો. સોશીયલ મીડીયા પર ફરી એક વખત જાેન રાઈટ અને ગેરી કસ્ટર્નને યાદ કરી વિદેશી કોચ મુકવા માટે દલીલો કરતા જાેવા મળ્યા હતાં.
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ હતાશ થઈ ગયા હતાં તેથી સોશિયલ મીડીયા પર તેનો પડઘો પડયો હતો એટલું જ નહી પરંતુ નિવૃત્ત સિનીયર ક્રિકેટરો એ પણ ભારતીય ટીમની આલોચના કરી હતી. માત્ર ૩૬ રનમાં ઓલઆઉટ થઈ જવું એ શોભાસ્પદ નથી આટલું ખરાબ તો ઝિમ્બાબ્વે ટીમ પણ ન રમે તેવુ પ્રદર્શન ભારતીય ટીમે કર્યું હતું. એડીલેડ ટેસ્ટની હારમાંથી હવે ભારતીય ટીમે બીજી ટેસ્ટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
હારની હતાશામાંથી બહાર આવી નવા કેપ્ટન રહાણેની આગેવાની હેઠળ ભારતીય ટીમે હવે પ્રદર્શન સુધારવુ પડશે નહીં તો કેટલાક ખેલાડીઓની કારકિર્દી રોળાઈ જાય તેવી શક્યતા પણ જાેવા મળી રહી છે. ભારતીય ટીમમાં વિરેન્દ્ર સહેવાગ, સચિન તેડુંલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીના નિવૃત્ત થયા બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતને સારો સ્ટાર્ટ મળતો નથી પરિણામે મીડલ ઓડર પર તેનો ભાર આવે છે. સૌ પ્રથમ ભારતીય મેનેજમેન્ટે ઓપનીંગ જાેડી માટે વિચારવું પડશે. પ્રથમ ટેસ્ટ પૂર્વે ઓપનર પૃથ્વી શો ના ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ભરપુર વખાણ કર્યાં હતાં જેના પરિણામે ક્રિકેટ પ્રેમીઓને પૃથ્વી શો પર અપેક્ષાઓ વધી ગઈ હતી.
પરંતુ બંને દાવમાં પૃથ્વી શો નિષ્ફળ જતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. પ્રથમ દાવમાં વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી પરંતુ પોતાની જ ભુલના કારણે જ વિરાટ કોહલી રન આઉટ થઈ જતાં ટેસ્ટ મેચનું ભાવિ ઘડાઈ ગયું હતું. બીજા દાવમાં ભારતીય ખેલાડીઓએ કરેલા પ્રદર્શનને હવે લોકો યાદ પણ નથી કરતાં આટલી ખરાબ રમત કયારેય જાેવા મળી નથી.
પ્રથમ ટેસ્ટ બાદ હવે બોકસીંગ ડે ટેસ્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયાએ ફરી એક વખત ભારતીય ટીમ પર માનસિક દબાણ વધારવાની શરૂઆત કરી દીધી છે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ દબાણમાં જ છે તેમ છતાં પ્રથમ ટેસ્ટ કરતા આ ટેસ્ટમાં સારો દેખાવ કરશે તેવું જાેવા મળી રહયું છે ભારતીય ટીમને રોહિત શર્માની ખોટ જાેવા મળી છે. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીની મેદાન પરની કેટલીક ભુલો તથા કોચ રવિ શાસ્ત્રીની અણઆવડત ના કારણે ભારતીય ટીમ માનસિક રીતે દબાણમાં આવી ગઈ છે.
બોકસીંગ ડે ટેસ્ટમાં આ તમામ પાસાઓને હટાવી ભારતીય ટીમ ખુબ જ મજબુતાઈથી ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે તેવી આશા ક્રિકેટ પ્રેમીઓ વ્યકત કરી રહયા છે. પરંતુ બોકસીંગ ડે ટેસ્ટના આંકડાઓ જાેઈએ તો ભારતીય ક્રિકેટ ટીમ મેલબોર્ન ટેસ્ટમાં વિરાટ કોહલી અને મોહંમદ સામીની ગેરહાજરીમાં મેદાન પર ઉતરશે. બોકસીંગ ડે ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં જુસ્સો વધે તે માટે ટીમ મેનેજમેન્ટ દ્વારા તબક્કાવાર ખેલાડીઓની મીટીંગો યોજીને તેમનો જુસ્સો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
ભારતીય ટીમ અત્યાર સુધી બોકસીંગ ડે ટેસ્ટના રૂપમાં આઠ ટેસ્ટ મેચ રમી છે જેમાંથી પાંચ મેચો ભારતીય ટીમ હારી છે. અને એક જ ટેસ્ટ મેચ જીતવામાં ભારતીય ટીમ સફળ રહી છે જયારે બે ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. આ આંકડા ભારતીય ટીમની ચિંતા વધારી રહયા છે.
ભારતીય ટીમમાં પૃથ્વી શો ની આલોચના થતાં તેના સ્થાને કે.એલ. રાહુલને રમાડવો જાેઈએ તેવો સ્પષ્ટ મત વ્યકત કરવામાં આવી રહયો છે.જાેકે કે.એલ. રાહુલ ભારતીય ટીમ વતી ઓપનીંગ કરશે તો ભારતીય ટીમને સારો સ્ટાર્ટ મળશે તે વાત નિશ્ચિત છે પરંતુ મીડલ ઓર્ડરમાં ભારતીય ટીમ નબળી જાેવા મળી રહી છે. રોહિત શર્માનો કોરોન્ટાઈન પીરીયડ પૂર્ણ નહી થતાં તે બીજી ટેસ્ટ મેચમાં પણ રમી શકે તેમ નથી. જયારે વિહારીની જગ્યાએ રવિન્દ્ર જાડેજા રમશે તે વાત નિશ્ચિત મનાઈ રહી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક મેચમાં સદી ફટકારનાર ઋષંભ પંતનો સમાવેશ નિશ્ચિત મનાઈ રહયો છે.
ભારતીય ટીમમાં ચાર ફેરફારો કરાય તેવી શકયતાઓ છે. પરંતુ ભારતીય ટીમ વતી રમનાર આ ચારેય ખેલાડીઓ પર ક્રિકેટ પ્રેમીઓને વધુ અપેક્ષાઓ છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ભુંડી હાર બાદ બોકસીંગ ડે ટેસ્ટ મેચ શનિવારથી શરૂ થઈ રહી છે ત્યારે ભારતીય ટીમ હતાશા ખંખેરી ઓસ્ટ્રેલિયન ટીમનો મજબુતાઈથી સામનો કરે તેવા મેસેજાે અત્યારથી જ સોશીયલ મીડીયા પર વહેતા થઈ રહયા છે.