એનઆરસીમાં અન્ય કોલમ ન હોવાને કારણે બે હજાર ટ્રાન્સજેન્ડર યાદી બહાર
નવી દિલ્હી, આસામની પહેલી ટ્રાન્સજેન્ડર જજ સ્વાતી વિધાન બરુઆએ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઇને અરજી કરી છે. જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આસામમાં આશરે બે હજાર ટ્રાન્સજેન્ડર બહાર હોવાનો આરોપ લગાવતા કેન્દ્ર અને આસામ રાજય સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ ગવઇની બેન્ચે ટ્રાન્સજેન્ડર જજ સ્વાતી વિધાન બરુઆ દ્વારા કરાયેલી અરજી પર સરકારને નોટિસ પાઠવી છે. જજ સ્વાતિ વિધાને અરજીમાં કહ્યું હતું કે એનઆરસીમાં અન્ય કોલમ નથી આપવામાં આવ્યું. જેનો અર્થ છે કે ટ્રાન્સજેન્ડરને પુરુષ કે મહિલાના રુપમાં પોતાનું જેન્ડર દર્શાવવું પડશે. તેમણે કહ્યું કે મોટાભાગના ટ્રાન્સજેન્ડર એવા છે જેમના પરિવારે તેમને છોડી દીધા છે અને તેમની પાસે ૧૯૭૧થી પહેલાના કોઇ દસ્તાવેજ નથી. જે એનઆરસી માટે મહત્વના દસ્તાવેજ છે. ઉલ્લેખનીય છે કે એનઆરસીની અંતિમ યાદી ગત વર્ષે ઓગસ્ટમાં જાહેર કરવામાં આવી હતી જેમાં આશરે ૧૯ લાખ લોકો બહાર રાખવામાં આવ્યા હતા.
આસામ દેશનો પહેલું રાજય છે જયાં સિટિઝન રજિસ્ટર લાગૂ કરવામાં આવ્યું છે.
સંસદે ગત વર્ષે નવેમ્બરમાં ટ્રાન્સજેન્ડર વ્યકિતઓને તેમના અધિકારોના રક્ષણ કાયદા ૨૦૧૯ ને મંજૂરી આપી હતી. જે હેઠળ તેમને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે જરુરી ઉપાયોનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો. આ કાયદામાં થર્ડ જેન્ડર સાથે કોઇપણ પ્રકારના ભેદભાવ પર પ્રતિબંધ લાદ્યવામાં આવ્યો હતો. કાયદામાં તેમને સમાન હક આપવામાં આવ્યા હતા. ગત વર્ષે સ્વાતી વિધાને દાવો કર્યો હતો કે તેમની પર પુરુષ તરીકે મતદાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. સ્વાતીએ ખુલાસો કર્યો હતો કે મતદાનને લઇને તેમના દસ્તાવેજો યોગ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે હું થર્ડ જેન્ડર ઓપ્શન સાથે મતદાન કરવા માંગતી હતી, પરંતુ એ બની ન શકયું. આ મામલે મે મુખ્ય ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી જેથી મતદાનને લઇને મારા દસ્તાવેજ સાચા બને. પરંતુ તેમણે મને ચૂંટણી પછી મળવા જણાવ્યું હતું.