NSEના પૂર્વ એમડી ચિત્રા રામકૃષ્ણને ત્યાં આઈટીના દરોડા

નવી દિલ્હી, આવકવેરા વિભાગે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણના મુંબઈ ખાતેના નિવાસ સ્થાને દરોડો પાડ્યો છે. તેમના પર આધ્યાત્મિક ગુરૂ સાથે ગોપનીય જાણકારી શેર કરવાનો આરોપ છે. તે સિવાય તત્કાલીન ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના પરિસરોમાં પણ તપાસ ચાલી રહી છે.
સેબીની પુછપરછમાં ચિત્રાએ ખુલાસો કર્યો હતો કે, તે શેર માર્કેટ મામલે હિમાલયના એક અજ્ઞાત યોગી પાસેથી સલાહ-સૂચનો મેળવતા હતા. આટલી સંવેદનશીલ માહિતી અન્ય કોઈને આપવાને લઈ મામલો ગરમાયો છે. રામકૃષ્ણ કથિત રીતે હિમાલયમાં રહેતા તે યોગીને ‘શિરોમણી’ કહીને બોલાવે છે.
અગાઉ ૧૧ ફેબ્રુઆરીના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે એક્સચેન્જની આંતરિક ગોપનીય જાણકારીને કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે શેર કરવા બદલ ચિત્રાને ૩ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ સિવાય ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યનની નિયુક્તિમાં અનિયમિતતા કરવાનો પણ આરોપ છે. આ માટે એનએસઈ અને વરિષ્ઠ મેનેજમેન્ટ જવાબદાર હતું.SSS