એનએસીએચને આખું વર્ષ ચલાવવાની RBIની જાહેરાત
નવી દિલ્હી: શું તમારા સાથે કદી એવું બન્યું છે કે, સેલેરી ક્રેડિટ થવાની હોય તે જ દિવસે બેંક હોલિડે હોવાથી સેલેરી મોડી આવે, કે પછી એવું બન્યું છે કે તમે લોનના ઈએમઆઈ માટે ઓટોમેટિક પેમેન્ટનું ઓપ્શન અપનાવેલું હોય પરંતુ બેંક હોલિડેના કારણે તેમાં મોડું થાય અને તમારે એકસ્ટ્રા ચાર્જ આપવો પડે. તો ટૂંક સમયમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે.
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ (એનએસીએચ)ની સુવિધામાં મહત્વનો ફેરફાર કર્યો છે. તેનો ફાયદો ઓગષ્ટ મહિનાથી મળવાનો શરૂ થઈ જશે. એનએસીએચ એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેનું ઓપરેશન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) સંભાળે છે. સરકારી વિભાગો અને કંપનીઓ લોકોના ખાતામાં સેલેરી, પેન્શન, લાભાંશ કે સબસિડી વગેરેની ચુકવણી કરવા તેનો ઉપયોગ કરે છે.
જ્યારે બીજી બાજુ લોકોના ખાતામાંથી લોનના ઈએમઆઈ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા, વીજળી, પાણી, ફોન અને ગેસના બિલ ઓટોમેટિક રીતે ડિડક્ટ પણ આ સુવિધા દ્વારા જ થાય છે. હાલ બેંક હોલિડેના દિવસે એનએસીએચની સુવિધા નથી મળતી. મતલબ કે, જાે તમારી સેલેરી ક્રેડિટ થવાના દિવસે શનિવાર-રવિવાર કે કોઈ તહેવારના કારણે બેંક હોલિડે હોય તો તે દિવસે એનએસીએચ ન ચાલવાના કારણે તમારી સેલેરી ક્રેડિટ થવામાં મોડું થઈ શકે છે.
તેનાથી તમારી લોનના ઓટોમેટિક ઈએમઆઈ, પીપીએફ કે મ્યુચ્યુઅલ ફંડ સેવિન્ગ્સના હપ્તા વગેરેમાં પણ મોડું થઈ શકે છે જેથી એક્સ્ટ્રા ચાર્જ લાગી શકે છે. લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે એનએસીએચને આખું વર્ષ સપ્તાહના સાતેય દિવસ ચલાવવાની જાહેરાત કરી છે. આગામી ૧ ઓગષ્ટ, ૨૦૨૧થી આ સુવિધા ચાલુ થઈ જશે. રિઝર્વ બેંકના કહેવા પ્રમાણે આરટીજીએસની સુવિધાને સપ્તાહના સાતેય દિવસ માટે શરૂ કરવામાં આવી છે જેનો ફાયદો લઈને એનએસીએચને પણ આખું વર્ષ ચલાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમના હિતમાં આ પગલું ભરવામાં આવ્યું છે.
ઓટોમેટિક પેમેન્ટ સુવિધામાં આ ફેરફારનો લાભ ઉઠાવવા માટે તમારે ફક્ત તમારા ખાતામાં પર્યાપ્ત રકમ રાખવી પડશે. રિઝર્વ બેંકે શુક્રવારે પોતાની દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. તેમાં નીતિગત વ્યાજદરોને અપરિવર્તિત રાખવામાં આવ્યા છે. સાથે જ બજારમાં સતત લિક્વિડિટી વધારવા પ્રયત્ન ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે.