એનપીઆરમાં કોઇની પાસેથી કોઇ કાગળ મંગાશે નહીં : શાહ

નવી દિલ્હી: દિલ્હી રમખાણને લઇને લોકસભામાં જવાબ આપ્યાના એક દિવસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ ગાળા દરમિયાન અમિત શાહે ખાતરી આપી હતી કે, તોફાન કરનાર કોઇપણ જાતિ, ધર્મના હશે તો પણ તેમને છોડવામાં આવશે નહીં. અમિત શાહે વિપક્ષી દળો તરફથી મેળવવામાં આવેલી માહિતી અંગે પણ જવાબ આપ્યા હતા. શાહે કહ્યું હતું કે, સીએએ અને એનપીઆરને લઇને વિરોધ પક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એનપીઆરમાં કોઇની પાસેથી પણ કોઇ કાગળ માંગવામાં આવશે નહીં. સાથે સાથે કોઇને પણ ડી માર્ક પણ કરવામાં આવશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે, રમખાણ માટે જવાબદાર લોકો, કાવતરા ઘડનાર લોકો કોઇપણ જાતિ ધર્મના હશે તો તેમને છોડવામાં આવશે નહીં. ૨૫મી ફેબ્રુઆરીથી જ તોફાની તત્વો સામે પગલા લેવાની શરૂઆત થઇ હતી.
દિલ્હી હિંસા પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસે મોદી સરકાર ઉપર આજે જારદાર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે વિપક્ષ તરફથી મોરચો સંભાળીને દિલ્હી રમખાણોને લોકોના ઉપર વાયરસ એટેક ગણાવીને રજૂઆત કરી હતી. સિબ્બલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ પ્રહાર કર્યા હતા. દિલ્હી રમખાણ માટે કેન્દ્ર સરકારને જવાબદરા ઠેરવતા સિબ્બલે કહ્યું હતું કે, હિંસાની પાછળ એક વાયરસ છે.
આ વાયરસને ઉશ્કેરણીજનક ભાષણ મારફતે ફેલાવવામાં આવ્યા હતા. ભાષણ આપનાર પર કોઇ પગલા લેવામાં આવ્યા નથી. સિબ્બલ જ્યારે નિવેદન કરી રહ્યા હતા ત્યારે અમિત શાહ પણ હાજર હતા. સિબ્બલે શાહ ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તમે લોહ પુરુષ છો. સરદાર પટેલની જગ્યા પર બેઠા છો. પોતાના સરદારનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.