NCB ડાયરેક્ટર મુંબઇ પહોંચ્યા: બોલિવૂડ ડ્રગ્સ કેસમાં મોટા એક્શનની તૈયારી
મુંબઇ, બોલિવૂડ ડ્રગ્સ કેસમાં મોટી કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે. જેમાં કદાચ બોલિવૂડના મોટા સિતારાઓનો વારો પણ આવી જશે. નારકોટિક્સ બ્યુરો ઘણા સમયથી બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહ્યું છે. ત્યારે હવે નારકોટિક્સ બ્યુરોના ડાયરેક્ટર રાકેશ અસ્થાના ગુપચુપ મુંબઇ પહોંચ્યા બાદ આ ચર્ચાઓ જોર પકડ્યું છે.
રાકેશ અસ્થાના મુંબઇ જઇને શુક્રવારે પરત દિલ્હી પણ આવી ગયા છે. મળતી માહિતિ પ્રમાણે જૂનમાં સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ શરુ થયેલી ડ્રગ્સ એન્ગલની તપાસની સમીક્ષા કરાવા માટે અસ્થાના મુંબઇ આવ્યા હતા.
રાકેશ અસ્થાના એવા સમયે મુંબઇ પહોંચ્યા જ્યારે એનસીબી દ્વારા મોટી કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. જેમાં બોલિવૂડના મોટા સિતારા અને ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી થઇ શકે છે. એક અધિકારીએ કહ્યું કે તમે આવનારા બે અઠવાડિયામાં કાર્યવાહીની આશા રાખી શકો છો.
ઉલ્લેખનીય છે કે એનસીબીએ પહેલા જ આ કેસમાં 20 જેટલા લોકોની ધરપકડ કરી છે. જેમાં રિયા ચક્રવર્તી પણ સામેલ છે, જેને એક મહિનો જેલમાં રહેવું પડ્યું હતું ને બાદમાં જમાનત મળી છે.
અધિકારીએ આગળ કહ્યું કે તપાસમાં હવે આગળની હલચલ ચાલી રહી છે. બોલિવૂડ તરફથી ડિમાન્ડ અને સપ્લાયના એન્ગલને ધ્યાનમાં રાખીને તપાસ થઇ રહી છે. એવા ઘણા લોકો છે કે જેઓ બોલિવૂડમાં કામ કરે છે અને સાથે ડ્રગ્સ રેકેટમાં પણ સામેલ છે.