એનિવર્સરીના એક દિવસ પહેલા ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી સાજા થઈને આવી જતાં હેમામાલિનીએ ઈશ્વરનો પાડ માન્યો છે
એનિવર્સરીના આગલા દિવસે ધર્મેન્દ્ર ઘરે આવતાં હેમાએ લીધો રાહતનો શ્વાસ
હેમામાલિની અને ધર્મેન્દ્રના લગ્નને થયા ૪૨ વર્ષ
મુંબઈ, પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને પત્ની હેમામાલિનીની એટલે ૨ મેએ ૪૨મી વેડિંગ એનિવર્સરી હતી. એનિવર્સરી પર હેમામાલિનીએ પતિ સાથે બે સુંદર ફોટોગ્રાફર્સ શેર કર્યા છે. સાથે જ જીવનના આટલા સુંદર વર્ષો આપવા માટે ઈશ્વરનો પાડ માન્યો છે. એટલું જ નહીં છેલ્લા ચાર-પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્ર ઘરે આવી જતાં હેમામાલિનીએ રાહતનો શ્વાસ લીધો છે. શુભેચ્છાઓ અને પ્રાર્થના માટે સૌનો આભાર માન્યો છે.
અભિનેત્રી અને સાસંદ હેમામાલિનીએ પોતાની એનિવર્સરી પર ધર્મેન્દ્ર સાથેની સુંદર તસવીર ટિ્વટર પર શેર કરતાં લખ્યું, “આજે અમારી વેડિંગ એનિવર્સરી છે. આટલા વર્ષોની ખુશીઓ, અમારા પ્રેમાળ બાળકો અને દોહિત્રી-દોહિત્રો, પૌત્ર-પૌત્રીઓ આપવા માટે હું ઈશ્વરનો આભાર માનું છું. હું ખરેખર નસીબદાર છું.” હેમામાલિનીએ ધર્મેન્દ્ર સાથેનો વધુ એક ફોટોગ્રાફ શેર કર્યો છે. જેમાં બંને ખુશ દેખાઈ રહ્યા છે. હેમામાલિનીએ આ ફોટો શેર કરતાં લખ્યું, “તમારા આનંદને નિહાળતા અમે બંને.” જણાવી દઈએ કે, રવિવારે ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મસલ્સ ખેંચાઈ જતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. એનિવર્સરી પહેલા પતિ ઘરે આવી જતાં હેમામાલિની ખુશ છે. તેમણે પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે સૌનો આભાર માનતાં ટિ્વટર પર લખ્યું, “ધરમજીની તબિયત વિશે પૂછતાં હજારો શુભચિંતકોનો આભાર માનું છું. હા, તેઓ થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં હતા પરંતુ હવે તબિયત સારી છે અને ઘરે આવી ગયા છે. તમે સૌએ ચિંતાતુર થઈને કરેલા ફોન અને પૂછપરછ માટે આભાર માનું છું. ઈશ્વર દયાળુ છે.” જણાવી દઈએ કે, ૮૩ વર્ષના ધર્મેન્દ્ર અને ૭૩ વર્ષના હેમામાલિનીએ ૧૯૮૦માં લગ્ન કર્યા હતા.
તેમની બે દીકરીઓ છે ઈશા દેઓલ અને અહાના દેઓલ. બંનેના બે-બે બાળકો છે. હેમા ધર્મેન્દ્રનાં બીજા પત્ની છે. તેમનાં પહેલા પત્નીનું નામ પ્રકાશ કૌર છે. વર્કફ્રંટની વાત કરીએ તો, ધર્મેન્દ્ર હાલ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’નું શૂટિંગ કરી રહ્યા છે. આ જ ફિલ્મના શૂટિંગ વખતે સ્નાયુઓ ખેંચાઈ જતાં પીઠનો દુઃખાવો થયો હતો.sss