એનિવર્સરી પર અર્જુનએ પત્નીને ગિફ્ટમાં ઘર આપ્યું
મુંબઈ: વેડિંગ એનિવર્સરી પર દરેક પતિ-પત્ની એકબીજાને ખાસ ગિફ્ટ આપતા હોય છે. સામાન્ય રીતે ગિફ્ટમાં જ્વેલરી, કપડાં કે શાનદાર પાર્ટી પતિ-પત્ની એકબીજાને આપતા હોય છે. પરંતુ એક્ટર અર્જુન બિજલાનીએ એનિવર્સરી પર પોતાની પત્ની નેહા સ્વામીને એવી ગિફ્ટ આપી છે જે જાણીને તમને ઈર્ષ્યા થઈ આવશે! અર્જુન બિજલાનીએ પોતાની પત્ની માટે આ વર્ષે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. અર્જુન અને નેહાએ મે ૨૦૧૩માં લગ્ન કર્યા હતા. આ વર્ષે કપલની આઠમી એનિવર્સરી હતી પરંતુ તેઓ સાથે ઉજવી શક્યા નહોતા. અર્જુન ખતરોં કે ખિલાડી ૧૧ના શૂટિંગ માટે કેપ ટાઉનમાં હોવાથી મે મહિનામાં તેઓ સાથે એનિવર્સરી ઉજવી શક્યા નહોતા. અર્જુન-નેહા ભલે એનિવર્સરી સાથે ના ઉજવી શક્યા પરંતુ એક્ટરે શાનદાર ગિફ્ટ આપીને પત્નીને ખુશ કરી દીધી છે. અર્જુન બિજલાનીએ પોતાના ઘર વિશે વાત કરતાં કહ્યું, મેં હમણાં જ નવું ઘર ખરીદ્યું છે.
ઘરનું ઈન્ટિરિયરનું કામ જલદી જ શરૂ થઈ જશે અને ૬-૮ મહિનામાં પૂરું થઈ જશે. લગભગ અમે આ વર્ષના અંતે નવા ઘરમાં રહેવા જતા રહીશું. હું અમારી એનિવર્સરી પર નેહાને ઘર ખરીદીને ગિફ્ટ આપવા માગતો હતો પરંતુ કેકેકેના શૂટિંગ માટે હું કેપ ટાઉનમાં હતો જેથી શક્ય ના બન્યું. માટે મેં હમણાં ઘર ખરીદ્યું છે. આ નેહા માટે સરપ્રાઈઝ હતી અને મને આનંદ થયો કે તેને ઘર ખૂબ ગમ્યું. દરેક વ્યક્તિનો ઘરમાં એક મનપસંદ ખૂણો હોય છે અને અર્જુને પણ પોતાનો ફેવરિટ કોર્નર નક્કી કરી લીધો છે. દરેક પરિવારનું સપનું હોય છે કે તેઓ પોતાના ઘરને એક ચોક્કસ રીતે સજાવે. હું આ ઘરને મારું ડ્રીમ હોમ તો નહીં કહું પરંતુ હા તેની નજીક ચોક્કસ છે.
આ ઘર સુંદર અને સ્પેશિયસ છે. મારો ફેવરિટ કોર્નર હજી તૈયાર થવાનો બાકી છે, આ ખૂણો એક ડેક હશે જેના પર હું કલાકો સુધી આરામ કરીશ. ઘરમાંથી સુંદર સી વ્યૂ અને સ્કાય લાઈનનો નજારો દેખાય છે. અર્જુને પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું, નવી જગ્યા ખરીદી જેને હું ઘર કહું છું. આ ન્યૂઝ હું તમારા સૌ સાથે શેર કરવા માગતો હતો. તમારા સૌના સતત સહકાર અને પ્રેમ વિના આ સંભવ ના બન્યું હતું. થેન્ક્યૂ બાપ્પા અને તમારા સૌનો પણ ખૂબ ખૂબ આભાર.