એનિવર્સરી પર રોશનભાભીને પતિએ બાઈક ગિફ્ટ કર્યું

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં રોશનભાભીનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલનું બાળપણનું સપનું પતિ બોબી બંસીવાલે પૂરું કર્યું છે. લગ્નની ૨૦મી વર્ષગાંઠે બોબીએ જેનિફરને ખાસ ભેટ આપી છે, જેનો વિડીયો એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
જેનિફરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે બાઈક ચલાવતી જાેવા મળી રહી છે. એક્ટ્રેસને આ બાઈક પોતાના પતિ તરફથી એનિવર્સરી ગિફ્ટમાં મળ્યું છે. જેનિફર આમાં ત્રણ અલગ-અલગ બાઈક ચલાવતી જાેવા મળે છે અને તેણે ફેન્સને સવાલ પણ પૂછ્યો છે કે, તેને આમાંથી કયું બાઈક ગિફ્ટમાં મળ્યું હશે? બાઈક ખરીદવું જેનિફરનું બાળપણનું સપનું કેમ હતું તે પાછળની કહાણી પણ એક્ટ્રેસે વિડીયો સાથે જણાવી છે.
જેનિફરે લખ્યું, મારા બાળપણનું સૌથી મોટું સપનું સાકાર થયું છે. મારું પહેલું બાઈક ખરીદ્યું છે. મારા પિતાએ આખી જિંદગી રોયલ એનફિલ્ડ બુલેટ ચલાવ્યું છે (આજે પણ ૧૯૭૨નું એ બુલેટ વતનમાં સ્થિત ઘરે છે). હું એક બાઈક ખરીદવાનું ઘણા વર્ષોથી વિચારતી હતી પરંતુ પતિની પરવાનગી નહોતી. આખરે તેણે હા પાડતાં કહ્યું-‘તારા પગ પહોંચતા હોય તો લઈ લે મેં અત્યાર સુધી જેટલા બાઈક ચલાવ્યા છે તે બધા પસંદ આવ્યા છે અને છેવટે મેં એવું બાઈક ખરીદી લીધું છે
જેમાં મારા પગ પહોંચે છે. શું લાગે છે તમને મેં કયું બાઈક ખરીદ્યું હશે? પોસ્ટના અંતે બાઈક માટે પતિનો આભાર માનતાં જેનિફરે લખ્યું, થેન્ક્યૂ બોબી બંસીવાલ. આમ જાેવા જઈએ તો આ ગિફ્ટ અમારી છે જે અમે પોતાને ૨૦મી વેડિંગ એનિવર્સરી પર આપી છે. અમારી એનિવર્સરી માર્ચ ૨૦૨૧માં હતી પરંતુ અમને ડિલિવરી ગઈકાલે મળી છે. જેનિફરના આ વિડીયો પર ઓનસ્ક્રીન દીકરા ગોગી એટલે કે એક્ટર સમય શાહ અને મિસિસ હાથીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકાએ કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે.
જેનિફર ચોક્કસથી બાઈકની ચાહક રહી હશે કારણકે થોડા દિવસ પહેલા પણ તેણે બાઈક પર બેઠેલી કેટલીક તસવીરો શેર કરી હતી. જેનિફરની વાત કરીએ તો તે શરૂઆતથી જ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જાેડાયેલી રહી છે. જેનિફર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેણે થોડા વર્ષ સુધી આ શોમાંથી બ્રેક લીધો હતો અને તેના સ્થાને બીજી એક્ટ્રેસને લેવાઈ હતી. જાે કે, બાદમાં જેનિફરે રોશન સોઢીના રોલમાં કમબેક કર્યું હતું. રિયલ લાઈફમાં પારસી જેનિફર સીરિયલમાં પણ પારસી મહિલાનો રોલ કરીને દર્શકોનું દિલ જીતી રહી છે.