એન્કર સાથે ઉગ્ર ચર્ચા બાદ ટ્રમ્પ ઈન્ટવ્યુને છોડી ગયા
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થનાર મતદાનમાં હવે એક સપ્તાહનો જ સમય બચ્યો છે. ત્રણ નવેમ્બરના રોજ મતદાન થવાનું છે
આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ઇન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ઇન્ટરવ્યુને જોતા હિન્દી ફિલ્મ નાયકની યાદ આવી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પ આ ઇન્ટરવ્યુને અધવચ્ચે છોડીને જતા રહે છે, કારણ કે એન્કર સાથે તેમની આકરી ચર્ચા થઇ જાય છે. ત્યારબાદ તેની અમેરિકન ચૂંટણીમાં ખૂબ ચર્ચા છે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેના પર કટાક્ષ કર્યો છે.
વાત એમ છે કે પાછલા દિવસોમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીબીએસ ન્યૂઝના પ્રખ્યાત શો ’૬૦ મિનિટસ’માં ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમ્યાન અમેરિકન પત્રકાર લેસ્લી સાથે ડોનાલ્ડ ટ્રમ્પની ઇન્ટરવ્યુ દરમ્યાન તીખી ચર્ચા થઇ ગઇ અને વાત એટલી આગળ વધી ગઇ કે ડોનાલ્ડ ટ્રમ્પ અધવચ્ચે ઇન્ટરવ્યુ છોડીને જતા રહ્યા.
ઇન્ટરવ્યુ દરમ્યાન લેસ્લીએ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ પર પ્રશ્ન કર્યો સાથો સાથ કહ્યું કે એક રાષ્ટ્રપતિ તરીકે તેમની ટ્વીટ યોગ્ય નથી. તેના પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયાની તાકાતના લીધે જ રાષ્ટ્રપતિ બન્યા છે અને તેઓ તેને બદલશે નહીં. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારને ટોકયા અને કહ્યું કે તમે જો બિડેનને કેમ આટલા આકરા પ્રશ્નો પૂછતા નથી.
ટ્રમ્પ ત્યારબાદ ખાસ્સા નારાજ થયા અને તેમણે કહ્યું કે આ વાત કરવાની કોઇ રીત નથી. હવે બહુ થઇ ગયો ઇન્ટરવ્યુ, હવે ખત્મ કરો. ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ટરવ્યુ છોડીને જતા રહેતો હિસ્સો ટેલિકાસ્ટ થયાના બીજા દિવસે રીલીઝ કરાયો. જે હવે ખૂબ વાયરલ થયો છે.
આ ઇન્ટરવ્યુનો ઉલ્લેખ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ પણ પોતાની એક રેલીમાં કર્યો. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને એક મજબૂત અને સખ્ત નેતા તરીકે રજૂ કરે છે.
પરંતુ જ્યારે તેમને એક-બે પ્રશ્ન પૂછવામાં આવ્યા તો તેમની તમામ કડકાઇ નીકળી ગઇ. બરાક ઓબામાએ આ વાત ફ્લોરિડાની એક રેલીમાં કહી જ્યાં તેઓ જો બિડેન અને કમલા હેરિસ માટે પ્રચાર કરી રહ્યા હતા.