એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સમાં ૨૨ હજાર બેઠક ખાલી રહેશે
(એજન્સી)અમદાવાદ, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એ ગુરુવારે ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું. સમિતિના નિવેદનમાં ૪૨,૬૪૬ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી ૪૦,૪૦૬ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સામેલ છે. રજીસ્ટ્રેશન ૨ એપ્રિલથી ૨૮ મે દરમિયાન કરવામાં આવ્યું હતું. આમ એન્જિનિયરિંગમાં બધાને પ્રવેશ પછી પણ ૨૨ હજાર બેઠક ખાલી રહેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ ૬૪,૦૦૦ ડિગ્રી એન્જિનિયરિંગ બેઠકો છે અને જો તમામ નોંધાયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ ઘણી બેઠકો ખાલી રહેશે. ગયા વર્ષે લગભગ ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ધોરણ ૧૨ સાયન્સના પરિણામની જાહેરાત પહેલા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ઓછા રજીસ્ટ્રેશનને કારણે એડમિશન કમિટીએ સમયમર્યાદા વધારીને ૨૮ મે કરી હતી.
તેમ છતાં અત્યાર સુધીમાં માત્ર ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૮૨.૪૫ ટકા વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરી હતી, નિષ્ણાતોએ વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનની અપેક્ષા રાખી હતી.