એન્જીમેક મેન્યુફેકચરિંગ ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં મદદરૂપ થશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/engimech1-1024x682.jpeg)
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહયોગ આપવાના ઉદ્દેશથી રજૂ થયેલા વાર્ષિક પ્રદર્શન એન્જીમેક-2021ની 15મી એડિશનનો પ્રારંભ
ગાંધીનગરઃ એન્જીન્યરિંગ અને મશિનટુલ્સ ક્ષેત્રનો ટોચનો શો, કે જેમાં આધુનિક એન્જીન્યરિંગ પ્રોડકટસ અને સર્વિસિસ, હેવી અને લાઈટ મશિન્સ, મશિનરી ઈક્વિપમેન્ટસ અને એસેસરીઝ, એન્જીન્યરિંગ ટુલ્સ, અને સંલગ્ન પ્રોડકટસ ના પ્રદર્શનનુ પુનરાગમન થયુ છે.
ગાંધીનગરમાં મહામારી પછી આ સૌથી મોટુ ઓનગ્રાઉન્ડ પ્રદર્શન યોજાયુ છે. આ પ્રદર્શનને પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના ઈવેન્ટ તરીકે જાહેર કરાયુ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલે, ઉદ્યોગના પ્રતિનિધિઓ, અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની મોટી હાજરી વચ્ચે બુધવારે એન્જીમેક-2021નુ ઉદઘાટન કર્યુ હતું. ગાંધીનગરમાં હેલિપેડ એક્સિબિશન સેન્ટર ખાતે તા. 1 થી 5 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલા આ પ્રદર્શનના કેટલાક સ્ટોલની મુખ્યપ્રધાને પણ મુલાકાત લીધી હતી. એન્જીમેક-2021માં ભારત અને વિશ્વની કંપનીઓ સામેલ થઈ રહી હોવાથી તે સાચા અર્થમાં એક ગ્લોબલ ઈવેન્ટ છે.
ઉદ્યોગ પ્રધાન શ્રી જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે પત્રકારોને જણાવ્યું હતું કે “ભારત ઉપરાંત યુ.કે., યુએઈ, યુએસ, તુર્કી અને અન્ય દેશો તેમની પ્રોડકટસ અને ટેકનોલોજી એન્જીમેક-2021માં રજૂ કરી રહયાં છે. આ શોને કારણે ગુજરાતના મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીને વેગ મળશે તથા રાજ્યના એન્જીન્યરિંગ ઉદ્યોગને પ્રોત્સાહન પ્રાપ્ત થશે.”
કે એન્ડ ડી કોમ્યુનિકેશન દ્વારા આયોજીત એન્જીમેક-2021ની સમાંતરપણે ટુલ્સ અને ટુલીંગ ઈક્વિપમેન્ટના પાંચમા ઈન્ડીયા ટુલ્સ-2021 શો તથા એક સંપૂર્ણ ફાસ્ટનર એક્સપો કોમફાસ્ટ-2021 પણ યોજાયો છે. આથી એન્જીમેક-2021 એશિયાનો અત્યંત ગતિશીલ એન્જીન્યરિંગ, મશિનરી, મટિરિયલ હેન્ડલીંગ અને મશીન ટુલ્સ એક્ઝિબિશન બન્યુ છે.
આ પ્રસંગે કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રી કમલેશ ગોહિલે જણાવ્યું હતું કે એમએસએમઈ ઉદ્યોગોએ કોવિડ-19 મહામારીમાં ઘણુ સહન કર્યુ છે અને હાલમાં તે પુનઃજીવિત થવાને પંથે છે. ગુજરાત ભારતનુ મેન્યુફેકચરિંગ હબ હોવાને કારણે રાજ્યને આર્થિક રિકવરીનો સૌથી વધુ લાભ મળશે. એન્જીમેક-2021 એ એમએસએમઈ ક્ષેત્રને સમર્પિત શો છે અને તે આ ક્ષેત્રને પુનર્જીવિત કરવામાં મોટી ભૂમિકા ભજવશે.
15મી એન્જીમેક એ તેની અગાઉની એડિશનનું વધુ એક કદમ છે. આ શો ઉદ્યોગની ટેકનોલોજીકલ ક્ષમતા અને ઈનોવેશન રજૂ કરવાની અને જોવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ બની રહે છે અને કંપનીઓ માટે નવી તકો અને બજારો મેળવવામાં સહાયભૂત બની રહે છે. આ શોમાં, આ ક્ષેત્રમાં નવા ઉભરતા ઈનોવેશન્સ દર્શાવાશે અને ઉદ્યોગો સાથે જ્ઞાન અને માહિતીના આદાન-પ્રદાનની તક મળી રહેશે.
આ શોના ફોકસ સેક્ટર્સમાં મશીન ટુલ્સ અને મશીન ટુલ્સ એસેસરીઝ, ઓટોમેશન અને રોબોટિક્સ, ટુલીંગ સિસ્ટમ્સ, હાઈડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ, પમ્પસ એન્ડ વાલ્વઝ, ફાસનર્સ અને હાર્ડવેર, ઓટોમોબાઈલ, આઈટી એનેબલ્ડ સર્વિસીસ, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન અને વેલ્ડીંગ્ઝ, એસપીએમએસ અને પાઈપ ટેકનોલોજી ક્ષેત્ર તથા અન્યનો સમાવેશ થાય છે.
આ પ્રદર્શનમાં 10,000થી વધુ નવતર પ્રકારની પ્રોડક્ટસ, પ્રોસેસિસ, ટેકનોલોજીસ અને ઈમર્જીંગ ટેકનોલોજીસને આવરી લઈને પ્રદર્શિત કરાશે. આ પ્રદર્શન એન્જિનિયરીંગ અને મશીન ટુલ્સ ક્ષેત્રે થયેલી ટેકનોલોજીકલ પ્રગતિનો પ્રથમદર્શી અનુભવ પૂરો પાડી મૂડીરોકાણની તકો અંગે જાણકારી આપશે અને સ્થાનિક તેમજ વિદેશી કંપનીઓ સાથે કોલાબરેશન (સહયોગ)ની તક પૂરી પાડશે.