એન્ટીજન રેપિડ ટેસ્ટના મોટા ભાગના ડોમ ઉપાડી લેવાયા

File
અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી
અમદાવાદ, શહેરમાં કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ મ્યુનિ. તંત્રના સત્તાવાર આંકડાને જાેતા ઓછો થયો છે. કોરોનાએ જાણે કે વિદાય લીધી હોય તેમ તંત્રની સાથે-સાથે લોકો પણ માની રહ્યા છે એટલે હવે ક્યાંય માસ્ક પહેરવાનો આગ્રહ જાેવા મળતો નથી કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતુ નથી.
એક પ્રકારે કોવિડ ગાઇડ લાઇનના નિયમોને સાવેસાવ ભૂલી જવાયા છે. અગાઉ કોરોનાના સંક્રમણની તપાસ માટે મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં આંગળીના વેઢે ગણાય તેટલા ૧૦ ટેસ્ટિંગ ડોમ કાર્યરત હતા, પરંતુ વરસાદી માહોલ કહો કે કોરોના પ્રત્યેની બેદરકારી ગણો પણ આ રહ્યાસહ્યા ૧૦ ડોમમાંથી પણ ઘણા ઉપાડી લેવાયા છે
એટલે સંક્રમણના ટેસ્ટિંગની ગંભીરતા રહી નથી. ગયા એપ્રિલ મહિનામાં કોરોનાની સેકન્ડ વેવની દહેશતથી લોકો કે તંત્રમાં ફફડાટ ફેલાયો હતો. ઠેરઠેર ઓક્સિજનના અભાવથી દર્દીઓ તરફડી-તરફડીને ઘરમાં, એમ્બ્યુલન્સ કે રિક્ષા-કારમાં કે હોસ્પિટલ પરિસરમાં કે હોસ્પિટલની પથારીમાં મોતને ભેટ્યા હતા.
તંત્ર પણ રીતસરનું ઘાંઘું થયુ હતું અને કોરોનાના ટેસ્ટિંગ માટે ૧૫૦ જેટલા ડોમ ધમધમતા કરાયા હતા. એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે આ ડોમની બહાર લોકોની વહેલી સવાથી લાઇન લાગતી હતી. અમુક મહત્વના સેન્ટરમાં આરટી-પીસીઆર ટેસ્ટ પણ તંત્ર દ્વારા મફતમાં કરી અપાતા હતા.
જાેકે કોરોનાનો પ્રકોપ ઘટતા લોકોની સાથે તંત્ર પણ હળવાશના મૂડમાં આવ્યું હતું અને એન્ટીજન રેપિડ ટેસ્ટિંગના ડોમને ધીમેધીમે ઘટાડવા લીધા હતા. છેવટે ૧૦ ડોમ પર સંખ્યા આવીને અટકી ગઇ હતી, જાેકે હવે તો માંડ ચાર કે પાંચ ડોમ ચાલુ હશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે.
તંત્રના અર્બન હેલ્થ સેન્ટરમાં એન્ટીજન રેપિડ ટેસ્ટ થતા હોવાના દાવા થઇ રહ્યા છે, જાેકે હવે સત્તાવાળાઓ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના વેક્સિનેશન પર વધુ ભાર મૂકી રહ્યા છે. વેક્સિનેશનની લાયમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટેના ત્રણ મહત્ત્વના પરિબળ એટલે કે ટેસ્ટ, ટ્રેસ અને ટ્રેકની કાળજી લેવાતી નથી.
બીજી તરફ સુરતમાં સ્થાનિક મ્યુનિ. સત્તાવાળાઓએ નવરાત્રિ દરમ્યાન ખેલૈયાઓ માટે વેક્સિનના ડોઝ ફરજિયાત કર્યા છે. અમદાવાદમાં પણ નવરાત્રિનું ખેલૈયામાં ભારે ઘેલું હોઇ તા.૭ ઓક્ટોબરથી શરૂઆત થતી નવરાત્રિ અગાઉ અમદાવાદમાં પણ આ નિયમ મ્યુનિ. તંત્રએ લાગુ કરવો જાેઇએ તેવી માંગણી ઊઠી છે.
દરમિયાન વરસાદ બંધ થવાથી તંત્ર રસ્તા પરના ખાડા પૂરવાના અભિયાનને હવે ગંભીરતાથી લેશે તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ આજે ગ્યાસપુરના મ્યુનિ. હોટમિક્સ પ્લાન્ટની મુલાકાત લેવાના છે.