એપલ બે લાખ કરોડની વેલ્યૂ ધરાવતી USની પ્રથમ કંપની
સિએટલ, એપલ બે લાખ કરોડ ડાૅલરની માર્કેટ વેલ્યૂ ધરાવનારી અમેરિકાની પ્રથમ કંપની બની છે. અમેરિકી શેરબજારમાં એપલના શેરનો ભાવ વધવાની સાથે તેની માર્કેટ વેલ્યૂમાં વૃદ્ધિ થઈ હતી. એપલનો શેર ૪૬૬.૮૯થી વધીને ૪૬૮.૬૫ ડાૅલરે પહોંચ્યો હતો. હજુ બે વર્ષ પહેલાં જ એપલ એક ટ્રિલિયન ડાૅલરે પહોંચનારી કંપની બની હતી. ચોવીસ મહિનાના ટૂંકા ગાળામાં કંપનીના મૂલ્યમાં એક લાખ કરોડ ડાૅલરનો જંગી વધારો નોંધાયો છે. એપલની સ્થાપના થયા પછી તેને એક લાખ કરોડ ડાૅલરની કંપની બનતાં ૪૨ વર્ષ લાગ્યા હતા. હવે સૌથી વધુ માર્કેટ વેલ્યૂ ધરાવનારી કંપનીઓમાં એપલ આખા જગતમાં સાઉદીની અરામ્કો પછી બીજા ક્રમે પહોંચી છે. અરામ્કોએ ડિસેમ્બર ૨૦૧૯માં જ બે લાખ કરોડ ડાૅલરની માર્કેટ કેપ હાંસલ કરી હતી. ભારતના જીડીપીનું મૂલ્ય ૨.૭ લાખ કરાૅડ છે. એપલ સાથે સરખામણી કરીએ તો સ્પષ્ટ થાય કે સમગ્ર ભારતના અર્થતંત્રની સરખામણીમાં એપલની માર્કેટ કેપ ૭૫ ટકા જેટલી છે.
એપલની સંપતિમાં વધારો શેરના ભાવને કારણે થયો છે. એટલે જો શેરના ભાવમાં ઘટાડો થાય તો વળી વેલ્યૂમાં ફરીથી ઘટાડો પણ થઈ શકે છે. પરંતુ આ વધારો એ દર્શાવે છે કે ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓને કોરોના જેવી મહામારીમાં પણ વાંધો આવતો નથી. આખા જગતમાં મંદી જેવી સ્થિતિ છતાં એપલનું વેચાણ સતત વધી રહ્યું છે. અમેરિકાની ચાર મોટી ટેકનોલોજી કંપનીઓ એપલ, એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટ મળીને કુલ ૬ લાખ કરોડ ડાૅલરની વેલ્યૂ ધરાવે છે.