એપ્રિલના અંતમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન ભારતના પ્રવાસે

નવી દિલ્હી, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન આ મહિનાના અંતે ભારતના પ્રવાસે આવનારા છે. તેમનો આ પ્રવાસને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ પ્રવાસ વૈશ્વિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે . સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટનના વડાપ્રધાન 22 એપ્રિલની આસપાસ ભારત આવે તેવી શક્યતા છે.
તેમનો આ પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે યુરોપ રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. નજીકના ભવિષ્યમાં આ સમસ્યાનો કોઇ ઉકેલ પણ જોવા મળી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે બોરિસ જોહ્નસનનો ભારત પ્રવાસ ઘણા સમયથી વિલંબિત હતો.
આ અગાઉ જાન્યુઆરી, 2021 અને એપ્રિલ, 2021માં પણ તેમના ભારત પ્રવાસ અંગે અનેક અટકળો હતી પણ તે સમયે ભારત અને વિશ્વમાં કોરોના મહામારીને કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરીના સમારંભમાં તેમને મુખ્ય મહેમાન બનાવવામાં આવ્યા હતાં. કોરોના મહામારીને કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર ન રહેવા બદલ તેમણે દુ:ખ પણ વ્યક્ત કર્યુ હતું.
ત્યારબાદ નવેમ્બર, 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલ યુએન ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-26 સંમેલન દરમિયાન બોરિસ જોહ્નસનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેનો તેમણે સ્વીકાર પણ કર્યો હતો.
આ મહિનાના અંતે થનારો તેમનો પ્રવાસ વર્ષ 2030 સુધીના રોડમેપને તૈયાર કરવા અને તેના પર આગળ વધવા માટે મદદરૂપ થશે. બ્રિટનના વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન ગ્રીન હાઇડ્રોજન, પુન:પ્રાપ્ય ઉર્જા અને ક્લીન ટેકનોલોજી, સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવામાં આવે તેવી શક્યકતા છે.
વર્ષ 2019માં વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન બોરિસ જોહ્નસનનો ભારતનો આ પ્રથમ પ્રવાસ હશે. આ અગાઉ નવેમ્બર, 2012માં લંડનના મેયર તરીકે તેઓ ભારત આવ્યા હતાં. જો તેમના ભારત પ્રવાસ સુધીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ નહીં થાય તો મોદી અને જોહ્નસન વચ્ચે આ મુદ્દે પણ મંત્રણા થવાની શક્યતા છે.