એપ્રિલમાં અમદાવાદમાં ગરમીને લગતી બીમારીના ૬પ૦૬ કેસ નોંધાયા
અમદાવાદમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે-પેટમાં દુખાવાના ર૪૯૪, પેટમાં દુખાવા સાથે વોમીટના ૧૪૮૦, હીટ સ્ટ્રોક-૦૧, હાઈ ફિવર-૮૮પ, માથાનો દુખાવો – ર૦૬ અને બેભાન થવાના ૧૪૩૯ કેસનો સમાવેશ થાય છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહયો છે સ્માર્ટ સીટી અમદાવાદમાં ૪ર ડીગ્રી ગરમી નોંધાઈ રહી છે. મ્યુનિ. કોર્પોરેશને હવામાન વિભાગની માહિતી મુજબ આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે આ દિવસો દરમિયાન ગરમીનો પારો ૪ર ડીગ્રી રહે તેવી શક્યતા છે જયારે છેલ્લા ૧૦ દિવસ દરમિયાન ગરમીને લગતા ર૬૦૦ જેટલા કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં રજી મેથી ૬ઠ્ઠી મે સુધી તાપમાનમાં સતત વધારો થશે હવામાન વિભાગની આગાહી મુજબ ૩ અને ૬ મેએ ગરમીનો પારો ૪ર ડીગ્રી સુધી જઈ શકે છે. જયારે બાકીના ત્રણ દિવસ ૪૧ ડીગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. મ્યુનિ. કોર્પોરેશને સંભવિત ગરમીને ધ્યાનમાં લઈ શહેરમાં પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે
આ પાંચ દિવસ દરમિયાન નાગરિકોએ જરૂરી કામ વિના બહાર ન નીકળવા, સમયાંતરે આરામ કરવા, નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓનું ધ્યાન રાખવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા તેમજ ચા, કોફી અને સોડાવાળા પીણા પર નિયંત્રણ રાખવા અપીલ કરવામાં આવી છે.
શહેરના નાગરિકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૯૪ સ્થળોએ ઓઆરએસ કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ૪પ હજારથી વધુ ઓઆરએસ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે શહેરમાં સામાજિક સંસ્થાઓની મદદથી ૬૮૬ સ્થળે પાણીની પરબ તૈયાર કરવામાં આવી છે.
જયારે મ્યુનિ. કોર્પો. દ્વારા દરેક ઝોનમાં મોબાઈલ પરબ પણ ચાલી રહી છે. એએમટીએસ અને બીઆરટીએસના દરેક બસ સ્ટેન્ડ પર પીવાના પાણી તેમજ ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શહેરના તમામ હોસ્પિટલો તેમજ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હીટ રિલેટેડ બીમારીના દર્દીઓને સારવાર માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં હિટ એકશન પ્લાનનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેજસ શાહના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનામાં ગરમીને લગતી વિવિધ બીમારીના ૬પ૦પ કેસ નોંધાયા છે જેમાં પેટમાં દુખાવાના ર૪૯૪, પેટમાં દુખાવા સાથે વોમીટના ૧૪૮૦, હીટ સ્ટ્રોક-૦૧, હાઈ ફિવર-૮૮પ, માથાનો દુખાવો – ર૦૬ અને બેભાન થવાના ૧૪૩૯ કેસનો સમાવેશ થાય છે.
જયારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હોસ્પિટલોમાં ર૧ એપ્રિલથી ૧ મે દરમિયાન ગરમીને લગતી વિવિધ બીમારી જેવી કે પેટનો દુખાવો, ચક્કર આવવા, ઝાડા-ઉલ્ટી, હાઈ ફિવર વગેરેના ૧ર૯ કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જ પ૦ જેટલા કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયું છે.