એપ્રિલમાં કોરોનાના કુલ કેસના ૫૮ ટકા કેસ નોધાયા
રીકવરી રેટ ઘટીને ૫૮ ટકા થયો : એપ્રિલમાં ૯૨ હજાર કેસ કન્ફર્મ થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાગરીકો સારવાર માટે ટળવળી રહ્યા છે. આરોગ્ય વહીવટી અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે કોરોના દર્દીઓ એડમીશન, ઓક્સિજન અને ઇન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા છે. શહેરમાં છેલ્લા એક વર્ષમાં નોંધાયેલ કોરોનાના કુલ કેસના લગભગ ૫૫ ટકા કેસ માત્ર એપ્રિલ મહિનામાં કન્ફર્મ થયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યામાં ૩૦૦ ગણો વધારો થયો છે. જેની સામે રીકવરી રેટ ઘટીને લગભગ ૫૮ ટકા થયો છે. રાજ્ય સરકાર દ્વારા દર્દીઓની સારવાર માટે વિવિધ જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિક ક્ષેત્રે યોગ્ય અમલ થઈ રહ્યો ન હોવાથી પરીણામ શૂન્ય બરાબર રહ્યુ છે.
અમદાવાદના નાગરીકો માટે એપ્રિલ મહીનો દુસ્વપ્ન સમાન રહ્યો છે. એપ્રિલ મહીનામાં કોરોનાના કેસ કારે ભયાવહ સ્થિતિ જાેવા મળી છે. તેમજ માત્ર એક મહિનામાં જ કોરોનાના ૯૨૩૪૨ કેસ કન્ફર્મ થયા છે. શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ -૨૦૨૦ માં નોંધાયા બાદ એપ્રિલ-૨૦૨૧ સુધી કોરોનાના કુલ ૧૬૦૭૧૫ કેસ નોંધાયા છે જે પૈકી ૯૨ હજાર જેટલા કેસ છેલ્લા એક મહીનામાં જ બહાર આવ્યા છે. આ આંકડા પર થી જ કોરોનાની ભયાનકતાનો ખ્યાલ આવી શકે છે. શહેરમાં ૧લી એપ્રિલે કોરોનાના માત્ર ૬૧૩ કેસ નોંધાયા હતા. મહીનાના અંતિમ સપ્તાહમાં દૈનિક કેસની સંખ્યા ૫૫૦૦ થઈ ગઈ છે.
જેના કારણે ચોતરફ અફરા-તફરીનો માહોલ જાેવા મળ્યો છે. શહેરમાં નવા કેસ વધવાની સાથે-સાથે એક્ટીવ કેસ પણ ચિંતાજનક હદે વધ્યા છે. જેના પરીણામે રીકવરી રેટમાં અસામાન્ય ઘટાડો થયો છે.
અમદાવાદ શહેરમાં ૩૧ માર્ચે કોરોનાના એક્ટીવ દર્દીઓની સંખ્યા માત્ર ૧૭૮૫ હતી. મહીનાના અંતમાં એકટીવ દર્દીઓની સંખ્યા વધીને ૬૪૨૨૨ થઈ છે. આમ, માત્ર ૩૦ દિવસમાં જ એકટીવ દર્દીઓની સંખ્યામાં ૩૫ ગણો વધારો થયો છે. એકટીવ દર્દીઓની સંખ્યામાં અસામાન્ય વધારો થવાના કારણે ખાલી બેડ ખૂટ્યા છે. ઓક્સીજન અને વેન્ટીલેટર ના બેડ ન મળવાના કારણે દર્દીઓના મૃત્યુ થયા હોવાના કેટલાક કિસ્સા પણ બહાર આવ્યા છે.
અપ્રિલ મહિનામાં એકટીવ કેસની સંખ્યામાં વધારો થવાના કારણે રીકવરી રેટમાં પણ ઘટાડો થયો છે. ૩૧ માર્ચ સુધી રીકવરી રેટ ૯૪ ટકા હતો. જે ૩૦ એપ્રિલે કોરોના દર્દીઓના રીકવરી રેટ ઘટીને માત્ર ૫૮ ટકા થયો છે. જ્યારે છેલ્લા ૬ મહિનામાં કોરોનાના નોંધાયેલા કેસના લગભગ અઢી થી ત્રણ ગણા કેસ માત્ર એપ્રિલમાં નોંધાયા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં કન્ફર્મ થયેલા કુલ કેસના ૫૭ ટકા કેસ છેલ્લા ૩૦ દિવસમાં નોંધાયા છે. આ આંકડા તંત્ર અને નાગરિકો માટે અત્યંત ચિંતાજનક છે.