એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં ૯૪ ટકા ઘટાડો
અમદાવાદ: કોરોનાની મહામારીની ખરાબ અસર દેશના રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી છે, અને અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. લોકડાઉનના કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં શહેરમાં મકાનોના વેચાણમાં ૯૪ ટકાનો જ્યારે નવા પ્રોજેક્ટ લોન્ચમાં ૬૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાની હાલની રિપોર્ટ મુજબ, અમદાવાદના માર્કેટમાં ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં માત્ર ૨૫૨ રેસિડેન્સિયલ યુનિટ વેચાયા છે, જે પાછલા વર્ષે ૨૦૧૯ના આ સમય દરમિયાન ૩,૯૮૭ યુનિટનું વેચાણ થયું હતું.
આવી જ રીતે નવા રેસિડેન્સિયલ યુનિટનું લોન્ચ પણ ઘટીને બીજા ક્વાર્ટરમાં ૫૨૫ યુનિટ્સ થઈ ગયું છે, જે પાછલા વર્ષે આ સમય દરમિયાન ૧૬૪૧ યુનિટ્સ હતું. આ સાથે જ ૨૦૨૦માં મકાનોનું વેચાણ છેલ્લા એક દાયકામાં સૌથી ઓછું જોવા મળી રહ્યું છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરમાં ૨૫૨૦ મકાનો વેચાયા છે, જ્યારે પાછલા વર્ષે આ સમયગાળા દરમિયાન ૮૨૧૨ મકાનો વેચાયા હતા.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા, ઈન્ડસ્ટ્રીઅલ એન્ડ લોજિસ્ટિક્સ નેશનલ ડાયરેક્ટર બલબિરસિંહ ખાલસા કહે છે, કોરોનાની મહામારીથી ગ્રાહકોને આકર્ષવા બિલ્ડરોને મકાનની કિંમતો ઘટાડવી પડી રહી છે. આવકમાં ઘટાડો અને બેંક હોમ લોન લેનારા ગ્રાહકો પાસેથી વધારે કડક શરતો રાખી રહી છે, એવામાં ખરીદદારોમાં મકાનનું બુકિંગ કેન્સલ કરાવવાની ઘટનાઓ વધી રહી છે. ખાલસા વધુમાં ઉમેરે છે કે, દેશના ટોચના ૮ શહેરોમાં અમદાવાદ અફોર્ડેબલ રિસેડેન્સિયલ માર્કેટમાંથી એક છે.
આવી જ રીતે અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન સુધીમાં ૯૭૪૪ મકાનો વેચાયા વિનાના પડી રહ્યા છે. આ નાઈટ ફ્રેન્ડ ઈન્ડિયાના સીનિયર અધિકારી કહે છે, સ્થિતિ સુધરવા પર માર્કેટમાં પણ ઉછાળો જોવા મળશે. રોકાણની દ્રષ્ટિએ અમદાવાદમાં જમીન અને રેસિડેન્સિયલ માર્કેટ ખૂબ સારું છે.