એપ-સ્ટોર અને પ્લે-સ્ટોર પરથી 15 લાખ એપ્સ હટાવવાની તૈયારી
નવી દિલ્હી, તાજેતરમાં ગૂગલ અને એપલે એપ ડેવલપર્સને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જેમની એપ્સ અપડેટ કરવામાં નથી આવી રહી તેને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે.
હવે એક અહેવાલમાં એવી જાણકારી અપાઈ છે કે, એપલ અને ગૂગલ પોતાના એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર હાલમાં મોજુદ 30 ટકા એપ્સને હટાવી શકે છે. એ પ્રમાણે જોવામાં આવે 15 લાખ એપ્સ પર કાયમ માટે બેન લાગી શકે છે.
મળતી વિગતો પ્રમાણે બે વર્ષથી જે એપ અપડેટ કરવામાં આવી નથી તે તમામ એપ હટાવી લેવાય તેવી શક્યતા છે. જે એપ અપડેટ નથી થતી તેમાં એજ્યુકેશન, રેફરન્સ અને ગેમ્સ કેટેગરીમાં આવતી સંખ્યા વધારે છે.
15 લાખ એપ્સ પૈકની પણ 3.14 લાખ એપ્સ એવી છે જે પાંચ વર્ષથી અપડેટ નથી થઈ અને તેને તાત્કાલિક ધોરણે હટાવવાનો નિર્ણય ગૂગલ અને એપલ લઈ શકે છે. જોકે એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, એપ હટાવવાની ચેતવણી બાદ 6 મહિનામાં 13 લાખ એપ્સ એપડેટ થયા છે.
જાણકારોનુ માનવુ છે કે, જે એપ્સને લાંબા સમય સુધી અપડેટ ના કરાય તેમાં સિક્યુરિટીનુ જોખમ વધી જાય છે. અપડેટના અભાવે એપ્સમાં બગનુ જોખમ પણ વધે છે. જોકે ગૂગલ અને એપલે એવુ પણ કહ્યુ છે કે, જે એપ્સ હટાવી દેવાશે તે જો કોઈના ફોનમાં હશે તો તે યુઝર એપને એક્સેસ કરી શકશે.