એમ્બ્યુલન્સના ધંધામાં નફાની લાલચ આપી ૧ર ડોકટર સાથે પ કરોડની ઠગાઈ
સુરતની સ્મીમેર હોસ્પિટલનો ડોકટર છેતરપિંડી કરી ફરાર ઃ એક ટ્રિપના ૧ લાખ મળશે તેમ કહી સાથી ડોકટરોને પણ રોકાણ કરાવ્યું
સુરત, સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોકટરે તેના બે ભાગીદારો સાથે મળી ૧ર ડોકટર સહિત ૧૩ લોકોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પ૦ ટકા નફો આપવાની વાત કરી પ.ર૪ કરોડની ચીટિંગ કરી ફરાર થયો છે.
આ મામલે સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ટયુટર તરીકે ફરજ બજાવતા ડોકટર કપિલ શહાણે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોકટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાહ્યા પરમાર અને મયૂર વાલ્મીકિ ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો છે.
આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવતા હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી છે. હાલમાં બંને રિમાન્ડ પર છે. જયારે ડોકટર હાર્દિક પટવા ફરાર છે. ચીટીંગનો આંકડો ૩પ કરોડથી વધુ હોવાની આશંકા છે.
વધુમાં પોલીસે જણાવ્યું કે ડોકટર કપિલ શહાણે અને આરોપી ડોકટર હાર્દિક પટવા ર૦૦૪થી ર૦૦૯ સુધીમાં સ્મીમેર હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા હતા તે વખતે મિત્રતા થઈ હતી. આરોપી હાર્દિક પટવાએ વર્ષ ર૦ર૧માં ભાગીદારીમાં સનસાંઈ અને યેગ્સ એમ્બ્યુલન્સ સર્વિસીસના નામે એમ્બ્યુલન્સનો ધંધો શરૂ કર્યો હતો.
તે વખતે આરોપીએ ડોકટર કપિલને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની વાત કરી અને તેમાં પ૦ ટકા નફો આપવાની વાત કરી હતી. પછી હાર્દિકે મહારાષ્ટ્રની કંપનીમાં ૧ર એમ્બ્યુલન્સની રિકવાયરમેન્ટ માટે ટેન્ડરની વાત કરી હતી.
હાર્દિકે ડોકટરોને કહ્યું કે એક રાજયમાંથી બીજા રાજયમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રિપના ૧ લાખની રકમ મળે છે એવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં પ૦ ટકા નફો આપવાના સપના બતાવ્યા હતા. ડોકટરની ટોળકીએ આવી લાલચ આપીને ૧ર ડોકટરો અને એક ડોકટરની પત્ની સહિત ૧૩ જણાએ પોતાની જાળમાં ફસાવીને રૂ.પ.ર૪ કરોડની રકમ ચાઉં કરી ડોકટર હાર્દિક ફરાર થયો છે.