એમ્બ્યુલન્સમાં ૨૨ કોરોના દર્દીના મૃતદેહ ભરવા બાબતે કલેક્ટરના તપાસના આદેશ

files Photo
ઓરંગાબાદ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબેજાેગઈમાં એક એમ્બ્યુલન્સમાં ૨૨ મૃતદેહ એક બીજા પર મુકીને સ્મશાન સુધી લઈ જવાનો મામલો સામે આવ્યો છે. અંબેજાેગઈના સ્વામી રામતીર્થ હોસ્પિટલની એમ્બ્યુલન્સના આ મૃતદેહને બોડી પેકમાં ભરી એક બીજા પર મુકીને સ્મશાન ઘાટ સુધી લઈ જવાયા હતા.
બીડના જિલ્લા કલેક્ટર રવિન્દ્ર જગતાપે એમ્બ્યુલન્સ દ્વારા ૨૨ શબને લઈ જવાના મામલાની તપાસના આદેશ આપ્યા છે. અંબેજાેગઇના એડિશનલ કલેકટર આ મામલે તપાસ કરશે અને તેમનો અહેવાલ રજૂ કરશે. આશ્ચર્યજનક કિસ્સામાં જિલ્લા વહીવટીતંત્રે એમ્બ્યુલન્સનો અભાવ એક કારણ હોવાનું જણાવ્યું છે. મેડિકલ કોલેજના ડીન ડો. શિવાજી શુક્રેએ મંગળવારે કહ્યું કે, “હોસ્પિટલ વહીવટીતંત્ર પાસે પૂરતી એમ્બ્યુલન્સ નથી, જેના કારણે તે બન્યું.”
અધિકારીઓએ જણાવ્યું કે ગત વર્ષે કોવિડ-૧૯ ના પહેલા રાઉન્ડમાં તેમની પાસે પાંચ એમ્બ્યુલન્સ હતી. તેમાંથી ત્રણને પાછળથી પરત ખેંચી લેવામાં આવી હતી અને હવે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સમાં કોવિડ દર્દીઓમાં લઈ જવામાં આવી રહ્યા છે.
અધિકારીએ એમ પણ કહ્યું, ‘ક્યારેક ક્યારેક મૃતકોનાં સબંધીઓને શોધવામાં સમય લાગે છે. લોખંડી સાવરગાંવના કોવિડ-૧૯ કેન્દ્રથી મૃતદેહને પણ અમારી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. કેમ કે તેમની પાસે કોલ્ડ સ્ટોરેજ નથી. વિભાગ તરફથી વધુ ત્રણ એમ્બ્યુલન્સ પૂરી પાડવા માટે ૧૭ માર્ચના જિલ્લા તંત્રને પત્ર લખ્યો હતો.