એમ્યુઝમેન્ટ પાર્કની ભીડ ત્રીજી લહેરને નોતરશે
દર વીકએન્ડમાં ઊતરી પડતી લોકોની ભારે ભીડ ફરી સંક્રમણ વધારી શકે છેઃ તંત્રની વારંવારની અપીલ છતાં લોકો ગાઇડલાઇનનું પાલન કરતા નથી
અમદાવાદ, રાઇડની મજા લેવા માટે લાંબી લાઇનોમાં ઉભેલા અમદાવાદીઓ કદાચ હોસ્પિટલમાં દર્દીઓથી ભરેલી એમ્બ્યુલન્સની લાઇન, સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનું વેઇટિંગ અને રેમડેસિવીરના ઇન્જેક્શન માટેની લાંબી લાઇનો ભૂલી ગયા લાગે છે.
કોરોના વાઇરસની બીજી લહેર શાંત કરવામાં તંત્રની આંખમાં પાણી આવી ગયું છે ત્યારે હવે અમદાવાદીઓની આ એક નાનકડી ભૂલ ત્રીજી લહેરને દસ્તક આપી શકે છે.
અનલોક પ્રક્રિયા બાદ પ્રતિબંધોમાં મળેલી છૂટછાટનો જાણે ગેરફાયદો ઉઠાવતા હોય એમ લોકો દર વીકએન્ડમાં જાહેર સ્થળોએ ભારે ભીડ એકઠી કરી રહ્યા છે. લગભગ દર શનિ-રવિવારે એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના સ્થળોએ કોરોના ગાઇડ લાઇન્સના લીરેલીરા ઉડાડીને લોકો મોજમજા કરતા નજરે પડે છે.
ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઇરસે આખી દુનિયા પર પોતાનો કહેર વરસાવ્યો છે. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર એટલી ખતરનાક હતી કે ઠેરઠેર મોતનું તાંડવ સર્જાયુ હતું. હાલ કોરોનાની બીજી લહેર શાંત થઇ ગઇ છે ત્યારે જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે.
નિષ્ણાતના મત મુજબ ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે, જાેકે થોડી સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ રાખીએ તો ત્રીજી લહેરને અટકાવી શખાય છે, પરંતુ સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સની વ્યાખ્યામાં અમદાવાદ દુરદુર સુધી આવતું નથી, જેનું જીવતુ-જાગતું ઉદાહરણ ગઇ કાલે વસ્ત્રાપુર તળાવ ખાતે જાેવા મળ્યુ હતું. આ તસવીર ફક્ત કાલની જ નથી, અહીં દર વીકએન્ડમાં આવા જ દૃશ્યો સર્જાતા હોય છે.
પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે રક્ષાબંધન, જન્માષ્ટમી, જેવા અનેક તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગઇકાલે ૧૫મી ઓગસ્ટ હતી અને સાથોસાથ રવિવાર પણ હતો, જેથી અમદાવાદીઓ હરવા-ફરવા માટે બહાર નીકળી પડ્યા હતા.
શહેરના તમામ મોલ, ગેમિંગ ઝોન તેમજ રિવરફ્રન્ટ, ગાર્ડનમાં લોકો હોલિડે મનાવવા માટે નીકળી પડ્યા હતા. શહેરમાં સૌથી વધુ ભીડ વસ્ત્રાપુર, અને સિંધુ ભવન રોડ પર જાેવા મળી હતી. વસ્ત્રાપુર ગાર્ડનમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં આજે લોકો એવી રીતે ઉમટી પડ્યા હતા કે જાણે કોરોના વાઇરસ છે જ નહીં.
વસ્ત્રાપુરમાં એક બાજુ ટ્રાફિકની સમસ્યા અને તેમાં પણ ઊભરાતી પબ્લિક જરૂર ત્રીજી લહેરને દસ્તક આપશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં ઊભરાતી ભીડે કાયદેસર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા, સાથોસાથ નાના ભૂલકાઓએ માસ્ક પહેર્યાં ન હતા. રાઇડમાં બેસવા માટે લાઇનો ઊભરાઇ હતી અને લોકોએ મન મૂકીને એન્જાેય કર્યું હતું.
આ સ્થિતિ તો એમ્યુઝમેન્ટ પાર્કની હતી અને તેની બાજુમાં આવેલા આલ્ફા વન મોલમાં જવા માટે વાહનોની લાંબી લાઇનો લાગી હતી. આ સિવાય તમામ ફૂડ સ્ટ્રીટમાં ભીડ જાેવા મળી હતી. સિંધુ ભવન રોડ ઉપર પણ ટ્રાફિકની સમસ્યા જાેવા મળી હતી.
દરેક લોકો કોરોના કાળમાં ઘરમાં રહીને કંટાળી ગયા છે, જેના કારણે ફ્રેશ થવા માટે બહાર નીકળી પડે છે. પરંતુ આવી રીતે નીકળવુ કેટલું યોગ્ય છે. અમદાવાદના મોટેરા ખાતે ાવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઊમટેલી જનમેદની અને કોર્પોરેશનના ઇલેક્શનમાં ભેગા થયેલા લોકોના લીધે બીજી લહેરે તબાહી મચાવી હતી. જાે હવે આવી ભૂલ થાય તો ત્રીજી લહેરને આવતા કોઇ રોકી નહીં શકે.