MRP કરતા ઉંચા ભાવે થતા વેચાણ અંગે ફરિયાદ કરી શકાશે
પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની અગવડ ઉભી ન થાય તે માટે ૨૪/૭ કંટ્રોલ રૂમ શરૂ કરાયો- આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ અંગે કોઈ મુશ્કેલી હોય તો 1077 નંબર પર સંપર્ક કરવો
આ કંટ્રોલરૂમ ખાતેથી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન અર્થે ઈશ્યુ કરવાના પાસ બાબતે જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે,
ગોધરા, ગુરૂવારઃ નોવેલ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે અમલી ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન, પંચમહાલ જિલ્લામાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓની આપૂર્તિ સમયસર અને નિરંતર રીતે થઈ શકે અને તે અંગે લોકોની સમસ્યાઓના નિવારણ હેતુ જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે લોક ડાઉનના સમયગાળા દરમિયાન જીવનજરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓના ખરીદ-વેચાણ તેમજ તેમના ટ્રાન્સપોર્ટેશન અંગે તંત્ર તરફથી ગોઠવાયેલ વ્યવસ્થા અંગે માર્ગદર્શન, સહાયતા મેળવવા અથવા ફરીયાદ કરવા માટે જિલ્લા કક્ષાનો 24 x 7 રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ (ફોન નંબર- 1077)ની શરૂઆત કરવામાં આવી છે.
આ હેલ્પલાઈન પર આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન અર્થે ઈશ્યુ કરવાના પાસ બાબતે જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે તેમજ લોક ડાઉનની સ્થિતિનો લાભ ઉઠાવી જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના એમ.આર.પી. કરતા ઉંચા ભાવે વેચાણ અંગે ફરિયાદ પણ કરી શકાશે. આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ, ખરીદી, પુરવઠા, ટ્રાન્સપોર્ટેશનને લગતી ફરિયાદ કે માર્ગદર્શન મેળવવા ઈચ્છનારે 1077 નંબર પર આ કંટ્રોલરૂમનો નંબર સાધવાનો રહેશે. આ કંટ્રોલરૂમના નોડલ અધિકારી તરીકે જિલ્લા મદદનીશ શ્રમઆયુક્ત શ્રી એમ.એચ.પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
જિલ્લાના કેટલાક ભાગોમાં લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધિ અંગે ચિંતિત થઈ લોકો ખરીદી માટે દુકાનો પર ભીડની સ્થિતિ સર્જી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓને પેનિક બાઈંગ ન કરવા, કરિયાણા સહિતની આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો પર અન્ય વ્યક્તિઓથી સલામત અંતર જાળવવા, ભીડ ન કરવા, દુકાનદારોને તેમજ પોલિસ અને પ્રશાસનને સહયોગ આપવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન દૂધ-શાકભાજી, અનાજ-કરિયાણા સહિતની રોજિંદા વપરાશની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા તંત્ર કટિબધ્ધ છે અને તે દિશામાં સતત શ્રેણીબધ્ધ પગલા લેવાઈ રહ્યા છે. તેથી દુકાનો પર મોટી સંખ્યામાં ભેગા થઈ વાયરસ સંક્રમણની શક્યતા ઉભી થાય તેવી સ્થિતિ પેદા ન કરવા તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું.
હેલ્પલાઈન 1077 ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડનારાની મુશ્કેલીના નિવારણ માટે છેઃ અન્ય બાબતો માટે એનો ઉપયોગ ન કરવો…
જિલ્લા કલેક્ટર કચેરીના નિયંત્રણ કક્ષમાં હેલ્પ લાઈન નં. 1077 રાજ્ય સરકારની ખાસ સૂચના હેઠળ કાર્યરત કરવામાં આવી રહ્યો છે. તેનો આશય આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડનારાને, ટ્રાન્સપોર્ટેશન, કર્મચારીઓની અવર-જવર જેવી બાબતોમાં કોઈ વાજબી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો છે. તેથી તેઓ જ આ નંબર પર ફોન કરે અને અન્ય કામો માટે આ લાઈનનો ઉપયોગ કરે તેવી સૂચના પણ આપવામાં આવી છે.