એયુ સ્મોલ ફાઈનાન્સના મેનેજરને લૂંટવા ગયેલા બે શખ્સ ઝડપાયા
(એજન્સી) અમદાવાદ, રામોલમાં એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના બ્રાન્ચ રિલેશનશિપ મેનેજરને બે શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યાે હતો. જાેકે મેનેજરે બૂમાબૂમ કરતાં લોકોએ બે શખ્સને પકડી પાડીને પોલીસને હવાલે કરી દીધા હતા.
રામોલના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા રવિ મિશ્રાએ સરફરાજ શેખ, ધૃવેન્દ્રસિંહ રાજાવત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. રવિ એયુ સ્મોલ ફાયનાન્સ બેન્કમાં બ્રાન્ચ રિલેશનશિપ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
સોમવારે રાત્રે ૮ વાગે રવિ બાઈક લઈને સોનીની ચાલીથી રબારી કોલોની બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પાછળથી બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને રવિની બાઈક આગળ તેમનું બાઈક ઊભું કરી દીધું હતું. બંને શખ્સે કહ્યું કે તારી પાસે જે હોય તે આપી દે.
જેથી રવિએ કહ્યું કે મારી પાસે કંઈ નથી. આમ કહેતાં તેઓ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને રવિને ફટકાર્યાે હતો. એક શખ્સે રવિના ખિસ્સામાંથી ૭૦૦ રૂપિયા કાઢી લીધા હતા. તેમજ તેનું પાકીટ પણ લૂંટી લીધું હતું. રાતના સમયે રવિ એકો હોવાથી તે ડરી ગયો હતો.
બંને શખ્સ રવિને બાઈક પર બેસાડીને એટીએમ સેન્ટર પર લઇ ગયા હતા. જ્યાં ડેબિટકાર્ડ નાખતાં રવિએ ખોટો પિન નંબર નાંખીને પૈસા ન હોવાની વાત કરી હતી. રવિએ બૂમાબૂમ કરતાં બંને શખ્સને લોકોએ પકડી પાડ્યા હતા. આ લોકોએ પોલીસને બોલાવી લીધી હતી.
ત્યારબાદ પોલીસે બંને શખ્સની પૂછપરછ કરતાં તે વટવામાં સરફરાજ શેખ અને ચાંદલોડિયાનો ધૃવેન્દ્રસિંહ રાજાવત હોવાનું કહ્યું હતું. પોલીસે આ બંને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.