એરપોર્ટનો રૂપિયા 19 કરોડ, રેલવેનો રૂપિયા 14 કરોડ ટેકસ બાકી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રહેણાંક અને કોમર્શીયલ એમ મળી કુલ બાવીસ લાખ મિલ્કતો મ્યુનિ.ચોપડે નોંધાયેલી છે.31 માર્ચે પુરા થતા નાણાંકીય વર્ષ અગાઉ અગાઉના વર્ષનો વેરાનો લક્ષ્યાંક પુરો કરવા માટે તંત્ર વેરો ન ભરનારાની મિલ્કતોને સીલ કરવાનું શસ્ત્ર ઉગામશે. પરંતુ શહેરના ઉત્તરઝોનમાં આવેલા અમદાવાદ એરપોર્ટ અને પશ્ચિમ રેલવેના કાલુપુર સહીતના આવેલા મથકોનો મળી રૂપિયા 33 કરોડનો મિલ્કત વેરો વસુલવાનો બાકી છે. મિલ્કત વેરાને લઈને રેલવે સાથે છેલ્લા બે દાયકા અને એરપોર્ટ ઓથોરીટી સાથે પાંચ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરદારનગર વિસ્તારમાં આવેલા અમદાવાદ એરપોર્ટને ઈન્ટરનેશનલ જાહેર કરાયા બાદ ટર્મિનલ-એક અને ટર્મિનલ-બે એમ બે ટર્મિનલથી એ.ઓ.આઈ.દ્વારા જમીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે.આ જમીનના વપરાશ માટે મ્યુનિ.દ્વારા મિલ્કતવેરો વસુલાઈ રહ્યો છે. થોડા વર્ષો અગાઉ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ.તંત્રને વેરા પેટે રૂપિયા 58 લાખ ચુકવવામાં આવ્યા હતા.એ પછી કોઈ રકમ ન ચુકવવામાં આવતાં હાલની પરિસ્થિતિમાં મ્યુનિ.ને.એરપોર્ટ ઓથોરીટી પાસેથી રૂપિયા 19 કરોડ જેટલો વેરો વસુલવાનો બાકી નીકળે છે.
બીજી તરફ અમદાવાદ શહેરમાં કાલુપુર,મણિનગર,સાબરમતી,ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સહીતના મ્યુનિ.હદમાં આવેલા પશ્ચિમ રેલ્વેના યુનિટો પાસેથી મ્યુનિ.ને રૂપિયા 14 કરોડ જેટલો વેરો વસુલવાનો બાકી નીકળે છે.