એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યુ છે :રૂપાણી
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિત કર્યુ છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અગાઉના જર્જરિત બસ મથકો, ખખડધજ બસીસની સ્થિતીનો અંત લાવી હવે આપણે સમયાનુકુલ સુવિધાસભર વોલ્વો, સ્લીપર કોચ, જી.પી.એસ સિસ્ટમ સાથેની બસ સેવાઓ અને અદ્યતન બસપોર્ટ પ્રજાની સેવામાં આપી રહ્યા છીએ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં ૪૩.૭ર કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૮ નવા બસ સ્ટેશન, ૧ એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. ર૮.ર૦ કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. ૧પ.પર કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમૂર્હત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાઓ કોમર્શિયલ-વાણિજ્યીક ગતિવિધિ નહિ પરંતુ લોકસેવાનું સાધન છે તેવો સ્પષ્ટ મત આ તકે વ્યકત કર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ખાનગી ટ્રાવેલ્સ સેવાઓ નફાકારક રૂટ પર જ પોતાના રૂટ ચલાવતી હોય છે જ્યારે એસ.ટી નિગમ નફા કે નુકશાનનો વિચાર કર્યા વિના રાજ્યના દરેક ગામને જાેડીને ઓછામાં ઓછી રોજની એક ટ્રીપ ગામને મળે અને ગરીબ, સામાન્ય માનવીને કનેકટીવીટીની સહુલિયત મળે તે રીતે કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ૮૦ ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકીર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે.
આ કર્મયોગીઓએ કોરોના કાળમાં પણ એસ.ટી. સેવાઓ કે પ્રવૃત્તિઓ અટકવા દીધી નથી અને ઇનહાઉસ બસ બોડી નિર્માણ કરવાના તેમજ કરકસરયુકત ઇંધણ સંચાલન જેવા એવોર્ડઝ પણ મેળવ્યા છે તેની તેમણે સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જે બસ મથકોના લોકાર્પણ કર્યા તેમાં સંબંધિત કાર્યક્રમ સ્થળે નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ જાેડાયા હતા.
તદઅનુસાર, દહેગામ બસમથક લોકાર્પણમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, સાણંદ ખાતે મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, લીમડીમાં શ્રી બચુભાઇ ખાબડ, સંતરામપૂરમાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, પાલનપૂરમાં મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, પીપળાવમાં મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ તેમજ વાઘોડીયામાં રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલ અને અરવલ્લીના ડેમાઇમાં રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર તથા ભાવનગર ડેપો વર્કશોપ લોકાર્પણમાં મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા જાેડાયા હતા. સમગ્રતયા મુખ્યમંત્રીશ્રીએ રૂ. ર૮.ર૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા
આ બસ મથકોના ઇ- લોકાર્પણ કર્યા હતા.આ ઉપરાંત રૂ. ૧પ.પર કરોડના કુલ ખર્ચે નિર્માણ થનારા પાંચ એસ.ટી. ડેપો વર્કશોપના જે વર્ચ્યુઅલ ખાતમૂર્હત મુખ્યમંત્રીશ્રીએ કર્યા તેમાં કાર્યક્રમ સ્થળોએ દ્વારકામાં રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજાડેજા, મોરબીમાં મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, વાંકાનેરમાં મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા, વિરપૂરમાંમંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને સરધારમાં મંત્રી શ્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.