એરપોર્ટ પર દારૂની બેગ બદલાતાં પોલીસની દોડધામ
સુરત, એક વિચિત્ર ઘટનામાં ગોવાથી આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા યુવકની દારુની ત્રણ બોટલ ભરેલી બેગ બદલાઈ જતાં પોલીસને દોડાદોડી થઈ ગઈ હતી. દારુવાળી બેગ જેની હતી તેના બદલે ભરુચના એક વ્યક્તિ તેને લઈને જઈ રહ્યા હતા.
જેમને અટકાવી પોલીસે તપાસ કરતાં બેગમાંથી દારુ નીકળ્યો હતો. બોટલો જાેઈને ચોંકેલા ભરુચના વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બેગ તેમની નથી, અને તેઓ તો ફેમિલી સાથે ગોવા ગયા હતા.
બેગ પોતાની હોવાનો ઈનકાર કરનારા ભરુચના વ્યક્તિના દાવાની ખરાઈ કરવા માટે પોલીસે ઈન્ડિગો એરલાઈન્સની મદદ લીધી હતી. સોમવારે રાત્રે ઈન્ડિગોની ગોવાથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલો યુવક જ દારુની ત્રણ બોટલ પોતાની સાથે લાવ્યો હતો. જાેકે, તે એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેના જેવી જ એક બેગ અન્ય પેસેન્જર પાસે પણ હતી, અને લગેજ બેલ્ટ પર આ બેગ એક્સચેન્જ થઈ ગઈ હતી.
સુરતના યુવકની બેગ ભરુચના એક વકીલના હાથમાં આવી ગઈ હતી. તેઓ પોતાની ફેમિલી સાથે ગોવા ફરવા ગયા હતા, અને સુરતની ફ્લાઈટમાં પરત ફર્યા હતા.
રાત્રીના સમયે પોલીસે બેગની ચકાસણી કરતા તેમાંથી દારુની ત્રણ બોટલો નીકળતા આ વ્યક્તિ ચોંકી ગયા હતા. તેમણે આ બેગ તેમજ તેમાં રહેલી દારુની બોટલો પોતાની ના હોવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આખરે પોલીસે એરલાઈન્સના સ્ટાફની મદદથી તપાસ શરુ કરતાં દારુની બોટલોવાળી બેગ કુશ અસીજા નામના ૨૩ વર્ષના એક યુવકની હોવાનું માલૂમ પડ્યું હતું. આ યુવક સુરતના સિટી લાઈટ વિસ્તારમાં રહે છે.
બેગ તેની જ હોવાનું કન્ફર્મ થતાં પોલીસે યુવકનો સંપર્ક કરીને તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને દારુ લાવવા બદલ તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઘણીવાર રાજ્યની બહાર જતા લોકો પરત ફરતી વખતે દારુની બોટલ પણ સાથે લઈ આવતા હોય છે. ઘણા લોકોને તો એવો પણ વહેમ હોય છે કે ફ્લાઈટમાં દારુની બે-ત્રણ બોટલ લાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતો.
જાેકે, આમ કરવું સજાપાત્ર ગુનો છે, અને આ ગુનો કરનારાની વિરુદ્ધ કાયદાની જાેગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.SSS