એરફોર્સમાં મહિલા પાયલોટની કાયમી નિમણૂક કરવામાં આવશે
નવીદિલ્હી, હવે ભારતીય વાયુસેનામાં મહિલા પાયલોટ પ્રોગ્રામને કાયમી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે કહ્યું હતું કે આ ર્નિણય ભારતની મહિલા શક્તિની ક્ષમતાઓ અને મહિલા સશક્તિકરણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
રાજનાથ સિંહે ટિ્વટમાં લખ્યું છે કે, ‘રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેનામાં મહિલા પાઈલટ્સની ભરતી માટે શરૂ કરાયેલી પાઈલટ સ્કીમને કાયમી રાખવાનો ર્નિણય કર્યો છે.’ સુપ્રીમ કોર્ટે પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલાઓના પ્રવેશ માટેનો માર્ગ મોકળો કર્યાના મહિનાઓ બાદ આ ર્નિણય આવ્યો છે.
૨૦૧૮માં ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા હાથે ફાઈટર પ્લેન ઉડાવીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા હતી. અવનીએ આ ફ્લાઇટમાં મિગ-૨૧ બાઇસનને કમાન્ડ કર્યું હતું. ૨૦૨૦ માં, નેવીએ ડોર્નિયર મેરીટાઇમ ફાઇટર એરક્રાફ્ટ પર મહિલા પાઇલટ્સની પ્રથમ બેચની નિમણૂકની જાહેરાત કરી.
નેવીએ એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રમાદિત્ય સહિત લગભગ ૧૫ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજાે પર ૨૮ મહિલા અધિકારીઓને તૈનાત કરી છે. આવી વધુ નિમણૂંકોની યોજના સાથે, તેમની સંખ્યામાં વધારો થવાની તૈયારી છે. તે જ સમયે, ભારતીય સેનાએ વર્ષ ૨૦૧૯ માં સૈન્ય પોલીસમાં મહિલાઓની ભરતી શરૂ કરી હતી.HS