એર એશિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં યાત્રીઓના જીવ તાળવે
નવી દિલ્હી, કેરળના કોઝીકોડમાં શુક્રવારે રાત્રે એરપોર્ટ પર એર ઈન્ડિયાનું બોઈંગ ૭૩૭ લેન્ડિંગ સમયે તૂટી પડ્યા બાદ શનિવારે બીજી વિમાની આવી જ દુર્ઘટના થતાં ટળી છે. એરએશિયા ઈન્ડિયાના વિમાન સાથે રાંચી એરપોર્ટ પર ટેક ઓફ સમયે પક્ષી અથડાયું હતું. બર્ડ હિટના પગલે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. દુર્ઘટના બાદ ફ્લાઈટનું ટેક ઓફ ટાળવામાં આવ્યું હતું.
દુબઈથી કોઝીકોડ આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ શુક્રવારે રાત્રે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને વિમાન લેન્ડિંગ વખતે રનવે પરથી લપસીને ૩૫ ફૂટ ઉંડી ખાઈમાં પડ્યું હતું જેમાં ૨૧ હતભાગીઓના મોત થયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે એક મોટી વિમાની દુર્ઘટના થતા સહેજ માટે બચી હતી. એરએશિયા ઈન્ડિયાનું વિમાન -૬૩૨ દ્વારા રાંચીથી મુંબઈ માટે ઉડાન ભરી રહ્યું હતું અને સવારે ૧૧.૫૦ વાગ્યે બર્ડ હિટ થયું હોવાનું એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું હતું. પાઈલટે સમયસુચકતા વાપરી હતી અને ટેક ઓફ કરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ વિમાનનું નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેની સંપૂર્ણ ચકાસણી કરાયા બાદ બરોબર જણાશે તો જ ફ્લાઈટ ટેક ઓફ થશે તેમ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું.
એરએશિયાના નિવેદન મુજબ કંપની તેના પ્રવાસીઓ તેમજ ક્રૂની સુરક્ષાને સૌથી ઉચ્ચ પ્રાધાન્ય આપે છે અને રાંચીથી મુંબઈની ફ્લાઈટને બર્ડ હિટ થતા ટેક ઓફ ટાળવામાં આવ્યું છે જેથી અગવડ બદલ ખેદ વ્યક્ત કરાયો હતો.SSS