એર ટિકિટ રિફંડ મુદ્દે સુપ્રીમ કોર્ટ રાતીપીળી થઇ
રિફંડના પૈસા વોલેટમાં ગયા, માત્ર ૧ રુટની બીજી ફ્લાઇટ ટિકિટ માટે ઉપયોગ કરી શકાયઃ કેન્દ્રનો જવાબ મંગાયો
નવી દિલ્હી, કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વિમાન યાત્રા માટે બુક કરાયેલી ટિકિટના રિફંડ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં વિમાન મંત્રાલય પાસે ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેન્ચે બિન સરકારી સંગઠન પ્રવાસી લીગલ સેલની અરજી પર સુનવણી કરતા વિમાન મંત્રાલયને નિર્દેશ આપ્યા હતા. સુનવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે કડક શબ્દોમાં જવાબ માંગ્યો છે. લોકડાઉન દરમિયાન જે એર ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી, એરલાઇન્સ કંપનીઓએ ગ્રાહકોને પૈસા રિફંડ કરવાને બદલે ક્રેડિટ શેલ કર્યા.
જેનો અર્થ થાય છે કે રિફંડના પૈસા વોલેટમાં ગયા અને તમે માત્ર એક રુટની બીજી ફ્લાઇટ ટિકિટ માટે તેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે શરત પણ રાખવામાં આવી હતી કે રિફંડની રકમ એક વર્ષની અંદર ઉપયોગ કરી લેવી, એટલે કે એક વર્ષની અંદર ટિકિટ ફરજીયાત બુક કરી લેવી. એરલાઇન્સ કંપનીઓના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
શુક્રવારે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિમાન મંત્રાલય સાથે એરલાઇન્સ કંપનીઓને પણ આ અંગે સવાલ કરતા પૂછ્યુ હતું કે ટિકિટ રિફંડની ક્રેડિટ માટે સમય મર્યાદા કેમ આપવામાં આવી રહી છે. ગ્રાહકોને એક વર્ષને બદલે બે વર્ષનો સમય મળવો જોઇએ તથા એજ રુટ માટે ટિકિટ બુકિંગની શરત પણ કેમ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૨૫ માર્ચથી લોકડાઉન લાગૂ કર્યા પહેલા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સેવા બંધ કરી દેવાઇ હતી. આ માટે ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ કેટલીક શરતોને આધિન ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સર્વિસ બંધ પડેલી છે.