એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (R) વાર્ષિક વકૃત્વ સ્પર્ધા 2019
અમદાવાદ, વાયુશક્તિ નગર, ગાંધીનગર ખાતે 30મી જુલાઇ, 2019ના રોજ એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશ (R), HQ દક્ષિણ–પશ્ચિમ એર કમાન્ડની દેખરેખ હેઠળ વાર્ષિક વકૃત્વ સ્પર્ધા 2019નું આયોજન કરાયું હતુ. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પ્રદેશમાં આવેલી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વર્ગોમાં અભ્યાસ કરી રહેલા વાયુદળના સૈનિકોના બાળકો માટે હિંદી ઉપરાંત અંગ્રેજીમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધાનું ઉદઘાટન AFWWA (R) SWACના પ્રમુખ શ્રીમતિ બલજીત આરોરાએ કર્યુ હતું.
સ્પર્ધામાં મોટી સંખ્યામાં કેન્દ્રિય વિદ્યાલય, વાયુદળ અને AFWWA સંગિનીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ સ્થાનિક સ્કૂલોમાંથી જજને સ્પર્ધામાં આમંત્રણ આપવામાં આવ્યું હતુ. આવા જ એક પ્રતિષ્ઠિત જજ શ્રીમતિ રાની ચૌધરીએ કુમારાવસ્થા દરમિયાન તણાવ નિયંત્રણ અંગે બાળકોને માર્ગદર્શન પુરું પાડ્યું હતુ.
12 સ્પર્ધકોએ સમકાલીન વિષયો જેવા કે માનવતા પર કુત્રિમ બુદ્ધિમતાની અસર, યુવાનો માટે સૈન્ય તાલીમનું મહત્ત્વ, રાષ્ટ્રીય આકાંક્ષા વિરુદ્ધ પ્રાદેશિક આકાંક્ષાઓ વગેરે જેવા વિષયો પર વ્યક્તવ્ય આપ્યું હતુ. તેમણે અભિવ્યક્તિ સ્વતંત્રતા પર નિયંત્રણ, આતંકવાદ અને ત્રાસવાદ વિરોધી કાયદા, સમાજમાં દેખાડાવૃત્તિની વધતી જતી આદતોનો પ્રભાવ અને ઘટી રહેલા આંતર–વ્યક્તિત્વ સંબંધો જેવા વિષયો પર પણ કેટલાક શ્રેષ્ઠ વિચારો વ્યક્ત કર્યા હતા.
જેસલમેર એરફોર્સ સ્ટેશનની ધોરણ 9ની વિદ્યાર્થીની કુમારી આતિકા ફરદોસે હિંદીમાં અને થાણે એરફોર્સ સ્ટેશનની ધોરણ 11ની વિદ્યાર્થીની કુમારી મેગના એમ નાયરે અંગ્રેજી વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યા હતા. હિંદી અને અંગ્રેજી વકૃત્વ સ્પર્ધાના બન્ને વિજેતાઓને શ્રીમતિ બલજીત અરોરા દ્વારા ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ વિજેતાઓ હવે આગામી સમયમાં નવી દિલ્હીમાં એરફોર્સ ઓડિટોરિયમ ખાતે યોજાઇ રહેલી AFWWA વકૃત્વ સ્પર્ધામાં દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડનું પ્રતિનિધિત્વ કરશે.