એલઓસી ઉપર પહેલીવાર મહિલા સૈનિકો તૈનાત કરાઈ
૩૦ મહિલા સૈનિકોની ટુકડી ઉત્તર કાશ્મીરના તંગધારમાં તૈનાત કરવામાં આવી, જેનું નેતૃત્વ કેપ્ટન ગુરસિમરન કરે છે |
નવી દિલ્હી, ભારતીય સેનાએ આંતરિક સુરક્ષા અને યુદ્ધમાં ભાગ લેવાના ઉદ્દેશથી પહેલીવાર પાકિસ્તાન પાસે નિયંત્રણ રેખા નજીક પોતાની મહિલા સૈનિકોને તૈનાત કરી છે. આ મહિલા સૈનિકોને અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સના ડેપ્યુટેશન પર ઉત્તર કાશ્મીરના તંગધાર સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે. લગભગ ૩૦ જેટલા મહિલા જવાનોની આગેવાની કેપ્ટન ગુરસિમરન કૌર કરી રહ્યા છે, જેઓ આર્મી સર્વિસ કોર્પ્સથી છે. તેઓ પોતાના પરિવારની ત્રીજી પેઢીના સૈન્ય અધિકારી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મહિલા સૈનિકોને ભીડ નિયંત્રણ અને મહિલા સુરક્ષા માટે એલઓસી નજીક સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ પર તૈનાત કરવામાં આવી છે.
અહીંયા સરહદ પારથી હથિયાર અને ડ્રગ્સની દાણચોરી અંગેની માહિતી ઈન્ટેલિજન્સ ઈનપુટ તરફથી મળતી રહે છે. ૧૩ લાખ જવાનોની ક્ષમતાવાળી ઈન્ડિયન આર્મી ૧૯૯૦થી સીમિત સંખ્યામાં મહિલાઓને ઓફિસર લેવલ પર જ સામેલ કરી રહી છે. મહિલાઓને ફાઈટિંગ આર્મ્સ, આર્મર્ડ કોર્પ્સ, મેકનાઈઝ્ડ ઇન્ફન્ટ્રી અને આર્ટિલરીમાં સામેલ કરાતી નથી. ગયા વર્ષે આર્મીએ ૫૦ મહિલાઓને કોર્પ્સ ઓફ મિલિટ્રી પોલીસમાં સામેલ કરી હતી, જેઓ હાલ ટ્રેનિંગ લઈ રહી છે. ઈન્ડિયન આર્મીની યોજના લગભગ ૮૦૦ મહિલાઓને મિલિટ્રી પોલીસમાં સામેલ કરવાની છે. જે અંતર્ગત ગુનાહિત મામલા, બળાત્કાર, છેડતીની સાથે-સાથે મિલિટ્રી ફોર્મેશનોમાં ઉચિત અનુશાસન સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે ૫૦ મહિલાઓની ભરતી કરવામાં આવશે.