એલન મસ્કના મિશન મંગળને ઝટકો: રોકેટ આગની જ્વાળાઓમાં ફેરવાઇ ગયું
વોશિંગ્ટન, અમેરિકી અબજપતિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશનને બુધવારે એક મોટી સફળતા મળી.
જ્યારે તેમનું માનવરહિત સૌથી મોટું રોકેટ સ્પેસએક્સએ સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. પરંતુ સપાટી સાથે ટકરાતાં જ રોકેટ આગની જ્વાળાઓમાં ફેરવાઇ ગયું. આનાથી એલન મસ્કના મિશન મંગળને આકરો ઝટકો લાગ્યો છે. મસ્ક મંગળ પર શહેર વસાવવાનું સપનું જાેઇ રહ્યાં છે.
સ્પેસએક્સનું સ્ટારશિપ એસએન૧૦ પ્રથમ વખત હવામાં લગભગ ૬ માઇલની ઉંચાઇ સુધી ગયું પરંતુ ધરતી પર ઉતરવાની ૧૦ મિનિટની અંદર જ તેમાં વિસ્ફોટ થઇ ગયો. આ કારણે રોકેટ લોન્ચપેડ પર જ બળીને ખાખ થઇ ગયું હતું. આ ત્રીજું સ્ટારશિપ રોકેટ હતું, જે સ્પેસએક્સે લોન્ચ કર્યું હતું. આ પહેલાં પણ બે પરિક્ષણ ઉડાન દુર્ઘટનાનો શિકાર બની ચૂકી છે.
સ્પેસએક્સે લેન્ડિંગ કર્યું ત્યારે એક કમેન્ટેટરે પરિક્ષણ ઉડાનના લાઇવ પ્રસારણ દરમિયાન કહ્યું કે, એક સુંદર સોફ્ટ લેન્ડિંગ. પરંતુ તેની કેટલીક મિનિટ બાદ જ રોકેટ ફાટી ગયું. નોંધનીય છે કે, સ્પેસએક્સના સ્થાપક એલન મસ્ક મંગળ ગ્રહ પર જવાના હેતુ સાથે સ્ટારશિપ રોકેટને વિકસાવી રહ્યાં છે. જ્યારે હાલમાં કરાયેલા પરીક્ષણમાં બે પ્રોટોટાઇપ રોકેટ નિષ્ફળ ગયા હતા. હાલ એસએન ૧૦ રોકેટમાં વિસ્ફોટના કારણો સામે આવ્યા નથી.