એલપીજી ગેસ સિલિન્ડર ૪૩.૫૦ રૂપિયા મોંઘો થયો
નવી દિલ્હી, આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ ઓક્ટોબર, ૨૦૨૧થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને ૧૯ કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૪૩.૫ રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે.
ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૬૯૩ રૂપિયાથી વધીને ૧૭૩૬.૫૦ રૂપિયા થઈ ગયો છે. જાેકે, ઓઇલ કંપનીઓએ સામાન્ય ઉપયોગમાં લેવાતા ૧૪.૨ કિલોગ્રામના સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નથી કર્યો. તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામ સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત ૮૮૪.૫૦ રૂપિયા બરકરાર છે.
નોંધનીય છે કે, ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ કોઈ ફેરફાર વગર ૮૮૪.૫૦ રૂપિયા, કોલકાતામાં ૯૧૧ રૂપિયા, મુંબઈમાં ૮૮૪.૫૦ રૂપિયા અને ચેન્નઇમાં ૯૦૦.૫૦ રૂપિયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧૯ કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.
સૌથી વધુ ભાવવધારો દિલ્હીમાં ૪૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં કિંમત વધીને હવે ૧૭૩૬.૫૦ રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેનો ભાવ ૩૫ રૂપિયા વધીને ૧૮૦૫.૫૦ રૂપિયા થઇ ગયો. મુંબઈમાં કિંમત ૩૫.૫૦ રૂપિયા વધીને ૧૬૮૫ રૂપિયા અને ચેન્નઈમાં ૩૬.૫૦ રૂપિયાના વધારા બાદ કિંમત ૧૮૬૭.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે આપને સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દરેક મહિને નવા રેટ્સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx લિંક પર તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો. ઇન્ડેન કંપનીના કસ્ટમર એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ ૭૭૧૮૯૫૫૫૫૫ પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને ૭૫૮૮૮૮૮૮૨૪ પર વોટ્સએપ કરો.