એલિસબ્રિજમાં અંગત અદાવતમાં વૃધ્ધ પર હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હુમલા અને હત્યાની ઘટનાઓ વચ્ચે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કાગદીવાડમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં ભાઈઓ વચ્ચેની તકરારમાં બે યુવકોએ એક વૃધ્ધ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના વિડિયો કુટેજ બહાર આવ્યા છે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ તપાસ શરૂ કરી છે.
ચોંકાવનારી બાબત એ છે કે હુમલાખોરો રિવોલ્વર જેવા હથિયારો લઈને આવ્યા હતા અને ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગ નહી થઈ શકતા હુમલાખોરોએ શસ્ત્રો સાથે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં કાગદીવાડ કોચરબ આશ્રમ પાસે રહેતા મુસ્તાકભાઈ ચૌહાણ ઉ.વ.૬પ કન્સ્ટ્રકશન સાઈટ માટે ઉપયોગમાં લેવાતા સાધનોની દુકાન ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ભાઈઓ વચ્ચે મનદુઃખ ચાલતુ હતું. ૬ મહિના પહેલા મુસ્તાકભાઈના પુત્ર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ આજે વહેલી સવારે બે હુમલાખોરો તેમના ઘર પાસે આવ્યા હતા અને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગ નહી થતાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મુસ્તાકભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. (CCTV footage)