એલિસબ્રીજમાં ડામરનાં વેપારીને ૪૬ લાખનો ચુનો ચોપડતાં છેતરપિંડીની ફરિયાદ
મુંદ્રાથી જમ્મુ ડામર પહોંચાડ્યા બાદ રૂપિયા ન ચૂકવાતાં વેપારી પોલીસમાં શરણે |
અમદાવાદ : શહેરમાં વેપારીઓને છેતરવાની સીઝન આવી હોય તેમ લાગે છે. કાપડ માર્કેટનાં વેપારીઓ સાથે છેતરપિંડી આચર્યા બાદ બિલ્ડીંગ લાઈનમાં વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ બહાર આવી હતી. આવી જ વધુ એક ફરિયાદ એલિસબ્રિજ પોલીસે નોંધી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટનાં વેપારી પાસેથી ડામર ખરીદ કર્યા બાદ જમ્મુ કાશ્મીર ખાતે વેચીને બારોબાર રૂપિયા મેળવ્યા છતાં વેપારીને તેનાં રૂપિયા ન ચૂકવતાં તેણે છેતરપિંડીની ફરીયાદ કરી છે.
આંબાવાડી ખાતે રહેતાં અને પરીમલ ગાર્ડન નજીક રત્નમણી ઈન્ડસ્ટ્રીઝનાં નામે ભારતભરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ડામરનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતાં લવકુમાર ઋષભભાઈ જૈન (ઉ.વ.૨૬)એ આ ફરીયાદ આપી છે. જેમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૬માં દક્ષ ગણાત્રા નામના વ્યક્તિઅે તેમને ફોન સંપર્ક કરીને ડામર ખરીદવાની વાત કરી હતી.
જેનો ભાવતાલ નક્કી કર્યા બાદ લવભાઈએ મુંદ્રા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટમાં ડામરનો મોટો જથ્થો જમ્મુ ખાતે આવેલી સેન્ટ સોલ્જર નામની કંપનીને મોકલી આપ્યો હતો. બાદમાં ૪૬ લાખ રૂપિયા બિલ માટે સંપર્ક કરતાં દક્ષ ગણાત્રા વારંવાર વાયદા બતાવતો હતો અને આગળથી રૂપિયા ન આવ્યા હોવાનું જણાવતો હતો.
જેથી લવભાઈએ સેન્ટ સોલ્જર કંપનીનો સંપર્ક સાંધતા તેમણે દક્ષ ગણાત્રાનાં પુત્ર વિદેશનાં બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હોવાનું જણાવ્યું હતું. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં વિરેશ ગણાત્રા વિરૂદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.