Western Times News

Gujarati News

એલિસ પ્રેસ્લીથી પ્રભાવિત થઈને બપ્પીદા સોનું પહેરતા

મુંબઈ, બોલિવૂડના જાણીતા સિંગર-કમ્પોઝર બપ્પી લહેરી હવે આ દુનિયામાં નથી રહ્યા. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લહેરીએ ૬૯ વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ઈન્ડસ્ટ્રીમાં લોકો તમને બપ્પી દા કહીને બોલાવતા હતા. બપ્પી લહેરી માત્ર પોતાના સંગીતને કારણે જ નહીં, સોનું પહેરવાના શોખને કારણે પણ ઓળખાતા હતા.

તેમને ગોલ્ડ મેન પણ કહેવામાં આવતા હતા. તેઓ ગળામાં સોનાની ઢગલાબંધ ચેઈન પહેરતા હતા. આટલુ જ નહીં, હાથમાં પણ તે સોનાની વીંટીઓ પહેરતા હતા. તેમના આ શોખની હંમેશા ચર્ચા થતી હતી. બપ્પી લહેરીએ પોતે એકવાર આટલુ બધું સોનું પહેરવા પાછળનું કારણ જણાવ્યુ હતું. બપ્પી લહેરીએ એક ઈન્ટર્વ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ આટલુ બધુ સોનું દેખાડો કરવા માટે નથી પહેરતા.

વાસ્તવમાં તેઓ અમેરિકાના પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી ઘણાં પ્રભાવિત હતા. એલ્વિસ પણ પોતાના કોન્સર્ટમાં સોનાની ઘણી બધી ચેઈન પહેરતા હતા. બપ્પી દાએ ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, હું જ્યારે એલ્વિસને જાેતો હતો તો વિચારતો કે જ્યારે હું ફેમસ થઈ જઈશ તો હું પણ મારી ઈમેજ એલ્વિસ જેવી જ બનાવીશ. ઉલ્લેખનીય છે કે બપ્પી લહેરીને લાગતુ હતું કે સોનું પહેરવું તેમના માટે લકી છે.

વર્ષ ૨૦૧૪માં બપ્પી લહેરીએ કહ્યુ હતું કે, તેમના પાસે લગભગ સાડા સાતસો ગ્રામ સોનું છે અને લગભગ પાંચ કિલો ચાંદી છે. જાે કે ત્યારપછી તો ઘણાં વર્ષો પસાર થઈ ગયા. હવે તો આ ખજાનામાં ઘણો વધારો થઈ ગયો હશે. ઉલ્લેખનીય છે કે બપ્પી લહેરી પાસે તેમના પત્ની કરતા વધારે સોનું છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર બપ્પી લહેરીની કુલ સંપત્તિ ૨૦ કરોડ રુપિયા છે. ‘ચલતે ચલતે’, ‘ડિસ્કો ડાન્સર’, ‘શરાબી’ વગેરે જેવા તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત ‘ભંકાસ’ હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બાગી ૩’ માટે બનાવ્યું હતું. મહત્વનું છે કે, ગત વર્ષે પીઢ ગાયકને કોરોના થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બપ્પી લહેરીના અવસાનથી બોલિવુડમાં શોકની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ ‘ડિસ્કો કિંગ’ને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.