એલીસબ્રીજમાં ચાર કલાકમાં બે પર્સની ચાલુ રીક્ષાએ ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરનાં અન્ય વિસ્તારોની માફક જ લુંટારા તથા તસ્કરોએ એલીસબ્રીજ અને નજીકનાં વિસ્તારોમાં પણ પોતાનો ત્રાસ ફેલાયો છે. છાશવારે ચીલઝડપના બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય આ સ્થિતીમાં ગઈકાલે એક જ દિવસમાં વધુ બે અલગ બનાવ ચીલઝડપનાં પ્રકાશમાં આવ્યા છે. બંને ગુના એક જ મોડસ ઓપરેન્ડીથી કરવામાં આવ્યા છે. જેમાં રીક્ષામાં બેઠેલી મહીલાના ખોળામાંથી પર્સની લુંટ કરવામાં આવી છે.
પ્રથમ બનાવ સવારે નવ વાગ્યાના સુમારે સાકાર-ર એલીસબ્રીજ નજીક બન્યો હતો. મિરઝાપુર પોસ્ટ ઓફીસમાં સુપર વાઈઝર તરીકે ફરજ બજાવતાં માલતીબેન હરીશભાઈ બ્રહ્મભટ્ઠ (પ૮) નિત્યક્રમ મુજબ રાજુભાઈની રીક્ષામાં બેસી નોકરીનાં સ્થળે જતી હતી. એ સફેદ એકટીવા પર બે શખ્સો ચાલુ રીક્ષાએ નજીક આવ્યા હતા. અને માલતીબેન કંઈ સમજે એ પહેલાં તેમનાં ખોળામાંથી રોકડ, મોબાઈલ કિંમતી સામાન ભરેલું પર્સ લુંટીને ભાગી ગયા હતા. બાદમાં તેમણે પોલીસ ફરીયાદ કરી બીજા બનાવ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી થયો હતો. જેમાં રીટાયર વૃદ્ધ મહીલા સીમાબેન સુનીલભાઈ બીજલાની ગઈકાલે બપોરે બેકના કામકાજ પતાવીને રીક્ષામાં ઘરે પરત ફરી રહયા હતા. એ સમયે જીએસટી ભવન આગળ એક વાગ્યાના સુમારે સ્કૂટર પર બે શખ્સો આવીને ચાલુ રીક્ષાએ સીમાબેનનું પર્સ ચોરી લીધું હતું. જેમાં તેમની કિંમતી મત્તા હતી.