એલ.એ.સી. પર ચીન સાથે સરહદે યુધ્ધના ભણકારા
(પ્રતિનિધિ) નવી દિલ્હી, એલ.એ.સી. પર લદ્દાખલ સરહદે સ્થિતિ સ્ફોટક છે. ચીન સામે તનાતનીના વાતાવરણની વચ્ચે ગમે ત્યારે મોટી બબાલ થઈ શકે તેમ છે. ચીને પણ સૈન્ય હટાવ્યુ નથી. મંત્રણાઓનો કોઈ અર્થ નહી સરતા ભારતે સમગ્ર એલ.એ.સી પર વધુ ૩પ,૦૦૦ જવાનોને મોકલતા ચીન સાથે સરહદે યુધ્ધના ભણકારા વાગી રહયા છે.
ભારતે લદ્દાખ સરહદે રીતસર યુધ્ધની તૈયારીઓ આરંભી દીધી છે. ફાયર ફાઈટરોને ડીપ્લોય કરી દીધા છે. ટેન્કો, મોટી તોપો, વિમાન વિરોધી મિસાઈલ્સ પહેલેથી જ તૈનાત છે. ફ્રાંસથી આવેલા પાંચ ઘાતક રફાલને ચીન સરહદે ગોઠવી દેવામાં આવશે. ઉંચી પર્વત માળાઓમાં ખાસ પ્રકારના પ્રશિક્ષણ પામેલા કમાન્ડોને ગોઠવી દેવાયા છે. ચીન સાથે મંત્રણાના માર્ગે ભારતે શાંતિના પ્રયાસો કર્યા હતા પરંતુ ચીને માત્ર દેખાવ પૂરતી સેના હટાવી હતી. સામે પક્ષે ભારતે સ્પષ્ટ શબ્દોમાં ફીંગર પોઈન્ટ- પ સહિતના પોઈન્ટ પરથી ચીની સેના હટાવી લેવામાં આવે તેવી માંગણી કરી હતી પરંતુ ચીન આંખ આડા કાન કરીને થોડું પાછળ જાય છે.
પરંતુ પૂર્ણપણે સેનાને હટાવતુ નથી એક તરફ શાંતીની વાતો કરનાર ચીને સરહદે મોટાપાયે યુધ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. ચીનની તૈયારીઓને જાેતા ભારતે પણ ‘જેવા સાથે, તેવા’ની નીતિ અપનાવીને એલ.એ.સી. (લાઈન ઓફ એકચ્યુઅલી કંટ્રોલ) ખાતે સૈનિકોનું સંખ્યાબળ વધાર્યુ છે. આ અગાઉ ભારતે ૩૦ થી ૩પ હજાર સૈનિકોને ગોઠવ્યા હતા હવે બીજા વધારાના (રીઝર્વ ) ૩પ હજાર સૈનિકોને ચીન સાથેની તમામ સરહદોએ ગોઠવ્યા છે. ભારત સામે કાવતરામાં માત્ર ચીન નથી પરંતુ અંદરખાને પાકિસ્તાન મેદાનમાં આવ્યુ છે એલ.ઓ.સી. પર તો પાકિસ્તાન સામે ભારતે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે
પરંતુ એલ.એ.સી. પર ચીનને જવાબ આપવા તૈયારીઓને ફાઈનલ ટચ આપ્યો છે. વધારાના સૈનિકોની સાથે જરૂરી શસ્ત્રો- દારૂ ગોળો પહોંચાડાઈ રહયો છે. વાયુદળના ફાઈટર વિમાનો માટે જાેઈએ તેવુ ખાસ પ્રકારનું પેટ્રોલ ટેંકરો મારફતે મોકલીને સ્ટોક કરાઈ રહયું છે.
ચીન આડુ ફાટયુ છે ભારત સાથે એલ.એ.સી. પર યુધ્ધની તમામ તૈયારીઓ તેણે કરી રાખી છે. બીજી તરફ પાકિસ્તાન- નેપાળને સાથે રાખીને છેક શ્રીલંકા સુધી પહોંચવાના પ્રયાસમાં છે પાકિસ્તાને એરબેઝ પર પોતાના ફાઈટર વિમાનોને ગોઠવી દીધા છે. ભારત સામે પાકિસ્તાન-ચીનની સંયુક્ત ધરી ઉભી થઈ રહી છે
પરંતુ સાઉથ-સી માં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, ભારત સહીતના દેશોએ ચીનને ઘેરવાનું શરૂ કરી દીધુ છે ઓસ્ટ્રેલિયાએ તો ચીનને આડે હાથે લઈને ઉભી થયેલી પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યું છે. અમેરિકાએ તો તેના ટોચની વોરશીપો ગોઠવી દીધી છે તેમાં ફાયટર વિમાનો, અણુ મિસાઇલ્સ સુધ્ધા હોય છે. અમેરિકા- ભારતે તાજેતરમાં સાઉથ- સી તથા પ્રશાંત મહાસાગરમાં સંયુક્ત કવાયત હાથ ધરી હતી તેની સામે ચીને સમુદ્રમાં યુધ્ધાભ્યાસ હાથ ધર્યો હતો. દરમિયાન એક નવી ધરી ઉભી થઈ રહી છે. ઉત્તર કોરિયા તથા ઈરાન નજીક આવ્યા છે. ચીનથી લગભગ ૪૦૦૦ કિ.મી. દૂર અમેરિકાનો લશ્કરી બેઝ આવ્યો છે તે ઉત્તર કોરિયા તથા ઈરાનના ટાર્ગેટમાં હોવાની વિગતો બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે કારણ કે અમેરિકાના લશ્કરી બેઝ પર ૧૩,૦૦૦ જેટલા સૈનિકો અને વિશાળ શસ્ત્ર ભંડાર છે તેથી આ પ્રકારના અહેવાલો માધ્યમોમાં આવતા પરિસ્થિતિ વધુ ઘેરી બનશે તેવા સંકેતો મળી રહયા છે.