એલ.જી. હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ યુનિટ સ્ટાફ-સાધનોના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા થતા વિકાસના દાવા વૈશ્વિક મહામારી સમયે પોકળ સાબિત થઈ રહ્યા છે ખાસ કરીને આરોગ્ય લક્ષી સુવિધા મામલે મનપાની પીછેહટ જોવા મળી છે. રાજ્ય સરકાર ની મદદથી એસ.વી.પી. જેવી આધુનિક હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે જેની સામે વી.એસ. હોસ્પિટલ ને નામશેષ કરી ગરીબ- મધ્યમવર્ગને સારવાર માટે વધુ લાચાર બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ શાસકો ઘ્વારા મોટા દાવા થાય છે પરંતુ તેનું અમલીકરણ થતું નથી.કેટલાક કિસ્સામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સુવિધા તૈયાર કરવામાં આવે છે પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે નાગરિકો ને તેનો લાભ મળતો નથી. મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં કાંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કરોડો રૂપિયા ના ખર્ચ બાદ પણ ત્રણ વર્ષથી પોસ્ટમોર્ટમ યુનિટ શરૂ થયું નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન ના આંતરિક સૂત્રોએ જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલાં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો પણ સ્ટાફ અને મેડિકલ સાધનોના અભાવે આજ દિન સુધી આ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત થઇ શક્યો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ પોસ્ટમોર્ટમ રૂમ ઉપયોગી થવાને બદલે ધૂળ ખાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં અસારવા સિવિલ હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય અમદાવાદની કોઈપણ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સુવિધા ઉપલબ્ધ નથી. શહેરના પૂર્વના વટવા, મણિનગર, નારોલ, લાંભા અને શાહવાડી જેવા વિસ્તારોમાં ત્યારે કોઈપણ દુર્ઘટના ઘટે ત્યારે મૃતદેહોને વીએસ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડે છે.
મૃતદેહોના પોસ્ટમોર્ટમમાં લાંબો વિલંબ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં એકથી બે દિવસની રાહ જોવી પડે છે. આ સમસ્યાને હલ કરવા માટે પૂર્વના વિસ્તારો ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં દુર્ઘટના વખતે મૃતદેહોનું તાત્કાલિક પોસ્ટમોર્ટમ થઈ શકે તે માટે એલ.જી.હોસ્પિટલમાં ખાસ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરાયો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2017માં ત્રણ કરોડના ખર્ચે એલ.જી. હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ગત વર્ષ 2017માં કાર્યરત કરવાનો હતો પણ અધિકારીઓએ આ આગળની કાર્યવાહી કરી નહોતી.
આ પોસ્ટમોર્ટમ રૂમ માટે ડોક્ટર સહિતના સ્ટાફની ભરતી થઈ નહોતી અને પોસ્ટમોર્ટમ માટે જરૂરી સાધનો વસાવવામાં આવ્યા નહોતા. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ પોસ્ટમોર્ટમ રૂમ ધૂળ ખાઇ રહ્યો છે. સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા મુજબ આ પોસ્ટ મોર્ટમ રૂમ ઝડપથી શરૂ થાય તો અકસ્માત જેવી ઘટનાઓમાં કે પછી અન્ય દુર્ઘટનાઓમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો ઝડપથી પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને મળી શકે તેમ છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમના નામે સ્વજનોએ ડેડબોડી મેળવવામાં લાંબો ઇન્તજાર ખતમ થાય તેમ છે