એવા બિનઆધારભૂત સમાચારોનો પ્રસાર ન કરો જે લોકોમાં ગભરાટ ફેલાવી શકે
નવી દિલ્હી, સર્વોચ્ચ અદાલતે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત મીડિયાની જવાબદારીની પ્રબળ ભાવના જાળવી રાખવા અને જેનાથી ગભરાટ કે ડર ફેલાઈ શકે એવા બિનઆધારભૂત સમાચારોનો પ્રસાર ન થાય એવું સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે.
સર્વોચ્ચ અદાલતે એ બાબત પર ધ્યાન આપ્યું છે કે, શહેરોમાં કામ કરતાં કામદારોનું મોટી સંખ્યામાં સ્થળાંતરણનું કારણ એવા બનાવટી ન્યૂઝ હતા કે લૉકડાઉન ત્રણ મહિનાથી વધારે સમય ચાલવાનું છે. આ પ્રકારનાં બનાવટી સમાચારથી કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. અદાલતે અવલોકન કર્યું હતું કે, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત ફેક ન્યૂઝની ઉપેક્ષા કરવી એટલી શક્ય નથી, કારણ કે આ પ્રકારનાં સમાચારોથી ફેલાયેલા ફફડાટને કારણે સ્થળાંતરણ કરેલા લોકોને કહી ન શકાય એવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને કેટલાંક લોકોને જીવ પણ ગુમાવવો પડ્યો છે.
અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, આ રોગચાળા વિશે નિષ્પક્ષ ચર્ચા પર દખલઅંદાજી નહીં કરવા ઇચ્છતાં, પણ સાથે અદાલતે મીડિયાને ઘટનાક્રમો વિશે સત્તાવાર વિગતનો સંદર્ભ લેવા અને પ્રકાશન કરવાની સૂચના આપી છે.