એવું તે શું કર્યુ ત્રણ પુત્રોએ કે, ૮૧ વર્ષના વૃદ્ધ ભરણ પોષણ માટે કોર્ટમાં ગયા
નવસારી જિલ્લાના ખેરગામના વતની અને હાલ વલસાડમાં રહેતા વૃદ્ધ કોર્ટમાં -ત્રણેય પુત્રોને જમીન વહેંચ્યા બાદ પુત્રોએ પોત પ્રકાશ્યું, બે પુત્રોને પિતાના નિભાવ માટે છ હજાર ચુકવવા આદેશ-
નવસારી, નવસારી જિલ્લાના ખેરગામના વતની અને હાલ વલસાડમાં રહેતા વૃદ્ધે ત્રણ પુત્રો સામે પ્રાંત અધિકારીની કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી. ૮૧ વર્ષના પિતાએ ત્રણેય પુત્રોને ખેતીની જમીન સરખે ભાગે વહેંચી આપી હતી પરંતુ બાદમાં પુત્રોએ પોત પ્રકાશતાં પિતાને કોર્ટમાં જવાનો વારો આવ્યો હતો.
આ કેસમાં વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાએ બે પુત્રોને પિતાને નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂપિયા ૬ હજાર ચૂકવવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે.
સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો, ખેરગામમાં રહેતા પ્રભુભાઈ વર્જુલભાઈ પટેલ હાલ તેમના નાના દીકરા અને વલસાડના આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા દીપકભાઈ પટેલ સાથે જિલ્લા પંચાયત ઓફિસ ક્વાર્ટરમાં રહે છે.
૮૧ વર્ષીય પ્રભુભાઈએ તેમના પુત્રો સામે વલસાડ પ્રાંત ઓફિસમાં ફરિયાદ દાખલ કરીને જણાવ્યું હતું કે, સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની તમામ મૂડી વાપરી નાખીને તેમને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. જેના પગલે બે પુત્રો સરકારી નોકરીમાં લાગ્યા છે. પોતાની ખેતીની જમીન પણ પુત્રોને સરખે ભાગે વહેંચી આપી છે.
મોટો પુત્ર વિનોદ પટેલ સરકારી નોકરીમાં નિવૃત્ત થતાં વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું પેન્શન મળે છે. વચલો દીકરો અનિલ ખેરગામમાં કટલરી અને રેડીમેડ કપડાનો વેપાર કરે છે. તેને દુકાનમાંથી માસિક ૫૦,૦૦૦ રૂપિયાની આવક થાય છે અને ખેતીમાંથી પણ દર મહિને ૫૦ હજાર રૂપિયા કમાય છે.
જ્યારે નાનો દીકરો દીપક આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે. તેની માસિક આવક ૨૫ હજાર રૂપિયા છે. હાલ પ્રભુભાઈ નાના દીકરા સાથે રહે છે પરંતુ તેની મર્યાદિત આવકમાંથી ગુજરાન ચાલતું નથી.
પ્રભુભાઈને હૃદય સંબંધિત બીમારી છે અને અમદાવાદ સિવિલમાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારબાદ ખાવાપીવા, કપડા અને તબીબી સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી દીકરાઓ પાસે માગણી કરી હતી. જેથી મોટા દીકરાએ ગામમાં રહેવાની સગવડ કરી આપવાની વાત કરી હતી પરંતુ પ્રભુભાઈએ નાના દીકરા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ત્યારે મોટા દીકરા વિનોદભાઈએ માસિક ૧,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું પરંતુ ચૂકવતા નહોતા. આવું જ વચલા દીકરા અનિલે કર્યું. અનિલે પિતાને સાથે રાખવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ આંબાની આવક થઈ ના હોવાનું કહીને ખર્ચ આપતા નહોતા.
ત્યારે આખો મામલો પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાની કોર્ટમાં જતાં તેમણે આ કેસમાં મોટા પુત્ર વિનોદભાઈને માસિક રૂપિયા ૪,૦૦૦ અને વચલા પુત્ર અનિલભાઈને માસિક ૨,૦૦૦ રૂપિયા વૃદ્ધ પિતાને ચૂકવવાનો આદેશ કર્યો હતો.