એવું તે શું થયું કે, પિતાએ ચાર સંતાનો સાથે SP ઓફિસ સંકુલમાં ઝેર પીધું
પાટણ, ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણમાં એક ચકચારી ઘટના બની હતી. અહીં એસપી ઓફિસ સંકુલમાં જ એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા પી લીધી હતી. જેના પગલે સમગ્ર સંકુલમાં દોડધામ મચી ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર વ્યક્તિની પત્ની એક વર્ષ પહેલા અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી.
જેના પગલે આ ચકચારી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઝેરી દવા પીવાના કારણે ચાર સંતાનો સહિત પિતાની તબિયત બગડતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
ચકચારી ઘટના અંગે વાત કરીએ તો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રી એક વર્ષ પહેલા કમલેશ ગોસાઈ નામના શખ્સ સાથે ભાગી ગયા હતા.
જે અંગે ૧૩ ઓકટોબર ૨૦૨૧ના રોજ રેવાભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામા આવી હતી. પોલીસ ફરિયાદ કરવા છતાં પણ તેમની પત્નીનો કોઈ પત્તો ના લાગતા આજે સોમવારે તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ રજૂઆત માટે આવ્યા હતા. પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી લેતા દોડધામ મચી હતી.