એવું તે શું થયુ કે, યુપી કોંગ્રેસના સ્ટારપ્રચારક રાતોરાત રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા
આરપીએન સિંહે પોતાનું રાજીનામું અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું, તેઓ યુપીએ સરકારમાં મંત્રી પણ હતા
લખનૌ , વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ, વિધાયકોના પાર્ટી બદલવાનો દૌર ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં અનેક મોટા નેતાઓ પક્ષપલટો કરીને બીજી પાર્ટીઓમાં જાેડાઈ રહ્યા છે. આ જ કડીમાં યુપીમાં કોંગ્રેસના કદાવર નેતા ગણાતા આરપીએન સિંહનું નામ સામે આવી રહ્યું છે. કહેવાય છે કે તેઓ ભાજપમાં જાેડાઈ ગયા છે.
ભાજપના જે.પી. નડ્ડા, અમિત શાહ અને યોગી આદિત્યનાથ સાથે બેઠક કરી આગામી ચૂંટણી અંગેની રાજનિતી વિષે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.
તેમણે પોતાનું રાજીનામું અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. આરપીએન સિંહ યુપીના કુશીનગર જિલ્લાના રહીશ છે. તેઓ યુપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે યુપી ચૂંટણી માટે તેમનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ હતું.
તેઓ પડરૌના વિધાનસભા બેઠકથી કોંગ્રેસ પાર્ટી તરફથી ૧૯૯૬, ૨૦૦૨, અને ૨૦૦૭માં વિધાયક પણ રહી ચૂક્યા છે. તેમણે ૪ વાર લોકસભા ચૂંટણી પણ લડી પરંતુ ૨૦૦૯ની ચૂંટણીમાં કુશીનગર સંસદીય વિસ્તારમાંથી જીત્યા અને યુપીએ ૨ની સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા.
જાે કે ત્યારબાદ તેમણે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો. એવું કહેવાય છે કે ભાજપમાં સામેલ થયા બાદ આરપીએન સિંહ પડરૌનાથી ચૂંટણી લડી શકે છે. તેઓ ઝારખંડમાં કોંગ્રેસના પ્રભારી પણ રહ્યા છે. જ્યારે યુપી યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.