એશિયન ગ્રેનિટોએ ફોર્ચ્યુન ઈન્ડિયાના નેક્સ્ટ ફોર્ચ્યુન 500 કંપનીઝ લિસ્ટમાં સ્થાન મેળવ્યું
ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એજીઆઈએલ)ને ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા તેની વર્ષ 2019ની ‘ધ નેક્સ્ટ ફોર્ચ્યુન 500 કંપનીઝ લિસ્ટ’માં સ્થાન આપીને સન્માનિત કરવામાં આવી છે. કંપનીને સંપત્તિનું સર્જન કરનારી ટોચની કંપનીઓ પૈકીની એક કંપની તરીકે ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્ષ 2018માં 248મા સ્થાને રહેલી એજીઆઈએલ 2019ની યાદીમાં 51 સ્થાન આગળ વધીને 197મા ક્રમે રહી છે. નાણાંકીય વર્ષ 2018-19માં કંપનીએ રૂ. 1,186.7 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા હતા.
એસોચેમના પ્રમુખ અને વેલસ્પન ગ્રુપના પ્રમુખ શ્રી બી કે ગોયેન્કાએ મુંબઈમાં આયોજિત એક સમારંભમાં એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના એસોસિયેટ શ્રી રાકેશ પટેલને આ એવોર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગે ફોર્ચ્યુન ઈન્ડિયાના તંત્રી શ્રી સૌરવ મજુમદાર અને એસએપી ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના ડિજિટલ કોર વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુબ્રમણ્યમ અનંતપદ્મનાભન પણ ઉપસ્થિત રહ્યા હતા.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફોર્ચ્યુન ઈન્ડિયાની નેક્સ્ટ ટોપ 500 કંપનીઝની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવવું એ અમારા માટે ગૌરવની વાત છે. આ વર્ષે અમે અમારી સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને ટોચની 200 કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે જે અમારા બિઝનેસ મોડેલ, વ્યૂહરચનાઓ, તાકાત અને મેનેજમેન્ટના દૂરંદેશીપણાનો પુરાવો છે. હવે અમે ગુણવત્તામાં ઉત્કૃષ્ટતા અને પ્રતિબદ્ધતા માટે અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે વધુ પ્રોત્સાહિત થયા છીએ.
વર્ષ 2000માં શરૂ થયેલી એજીએલ આજે ભારતમાં ટોચની ત્રણ લિસ્ટેડ સિરામિક ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની ટાઈલ્સ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટ્ઝની વિસ્તૃત શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. કંપનીએ તેની ઉત્પાદન ક્ષમતામાં 40 ગણો વધારો કર્યો છે. વર્ષ 2000માં તેની ઉત્પાદન ક્ષમતા દૈનિક 2,500 ચોરસ મીટર હતી જે હવે રોજની એક લાખ ચોરસ મીટર કરતાં વધુની થઈ છે જે અભૂતપૂર્વ પ્રગતિ દર્શાવે છે. કંપની 60થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે અને આગામી સમયમાં તેનું નેટવર્ક 100 દેશોમાં વિસ્તારવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ફોર્ચ્યુન ઈન્ડિયા નેક્સ્ટ 500 એ ભારતમાં 500 મીડસાઈઝ કંપનીઓની યાદી છે જે છેલ્લા વેચામ અને કુલ આવકના આંકડાના આધારે તૈયાર કરવામાં આવે છે. આ લિસ્ટમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જે ભારતના અર્થતંત્રને ધબકતું રાખે છે.