એશિયન ગ્રેનિટોનો ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 91 ટકા વધીને રૂ. 11.2 કરોડ થયો
ઓગસ્ટ 6, 2019 – ભારતની અગ્રણી ટાઈલ બ્રાન્ડ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) જૂન, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 11.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 5.9 કરોડના ચોખ્ખા નફા કરતાં 91 ટકાનો વધારો દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા વેચાણો ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. 238.7 કરોડના ચોખ્ખા વેચાણો કરતાં 31 ટકા વધીને રૂ. 312 કરોડ રહ્યા હતા. જૂન 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 34.3 કરોડ રહી હતી (એબિટા માર્જિન 11 ટકા) જે ગત નાણાંકીય વર્ષે રૂ. 20.5 કરોડ હતી (એબિટા માર્જિન 8.56 ટકા રહ્યા હતા). ઈપીએસ શેરદીઠ રૂ. 3.75 કરોડ રહી હતી.
કંપનીના પરિણામો અંગે ટિપ્પણી કરતાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે “અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના પ્રદર્શનથી ખૂબ ખુશ છીએ. સમગ્રતયા કામગીરી અને પડતરના આંકડા સુધારવા, ક્વાર્ટ્ઝ અને માર્બલ જેવી પ્રીમિયમ ટાઈલ્સ પ્રોડક્ટ્સ પર ધ્યાન આપવા અને નિકાસો તથા રિટેલ હાજરી વધારવાના કંપનીના પ્રયાસોથી હકારાત્મક પરિણામો આવવાના શરૂ થયા છે. નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ વેપારમાં અમને નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કુલ વેચાણમાં નિકાસનો ફાળો 27 ટકા રહ્યો છે
જ્યારે સ્થાનિક ધોરણે વેચાણ 73 ટકા રહ્યું છે. નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પાંચ ટકા જેટલો ભાવ વધારો કરી શકાયો છે અને ક્ષમતાનો ઉપયોગ વધીને 75 ટકા સુધી થઈ શક્યો છે જે ગત નાણાંકીય વર્ષમાં 65 ટકા જેટલો રહ્યો હતો. એનજીટીના આદેશ પછી અમને જણાયું હતું કે કિંમતોના દબાણની બાબતે ઉદ્યોગમાં ખરાબ સમય પૂરો થઈ ગયો છે અને અમને આશા છે કે વોલ્યુમ અને વેલ્યુ બંને બાબતોમાં ધીરેધીરે રિકવરી આવશે.”
જૂન 16થી બીજી જુલાઈ દરમિયાન કંપનીએ હિંમતનગર ખાતે તેનો સૌથી મોટો 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો ટાઈલ્સ અને સેનિટરીવેર ડિસ્પ્લે શોરૂમ પણ ખુલ્લો મૂક્યો હતો અને ત્યાં યોજાયેલી ડિલર મીટ દરમિયાન રૂ. 175 કરોડના ઓર્ડર્સ પણ મેળવ્યો હતો. જૂન 2019 સુધીમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો 34.11 ટકા રહ્યો હતો જે માર્ચ, 2019માં 33.12 ટકા હતો.
કંપની તેના મૂલ્યવાન ગ્રાહકોની સાથે તાલ મેળવતાં સતત બજારમાં નવીનતમ ફેરફારોવાળી અને મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ રજૂ કરીને ભારતીય સિરામિક ઉદ્યોગમાં લીડર તરીકેની તેની ઓળખ મજબૂત બનાવવા માંગે છે. પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરવા કંપનીએ એજીએલ બ્રાન્ડ હેઠળ કમ્પ્લીટ બાથરૂમ સોલ્યુશન્સ પૂરા પાડવા સેનિટરીવેર ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. કંપનીએ વોશ બેઝિન્સ, વોટર ક્લોઝેટ્સ, યુરિનલ્સ સહિત સેનિટરીવેરમાં 150 એસકેયુ લોન્ચ કર્યા છે અને ધીમેધીમે પ્રોડક્ટ રેન્જમાં વિસ્તરણ કરવાની યોજના છે. આગામી બે-ત્રણ વર્ષમાં કંપનીએ તેના ટચ પોઈન્ટ્સ વધારીને 10,000થી વધારે કરવાનો, એક્સક્લુઝિવ શોરૂમ્સનું નેટવર્ક વિસ્તારીને 500 સુધી લઈ જવાનો અને રૂ. 2,000 કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.